સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

દિપડો ગોંડલમાં ઘુસ્યો : એક વ્યકિત ઉપર હુમલો

ભગવતપરામાં આવેલ મકાનમાં ઘુસી જતા વન વિભાગ, પોલીસ, ફાયર, પાલિકાની ટીમ દ્વારા પાંજરામાં પુરવા કવાયત

ગોંડલ : ગોંડલ શહેરની અંદર દિપડો ઘુસી જતા અફડાતફડી મચી ગઇ છે. દિપડાને ઝડપી લેવા કવાયત શરૂ કરાતા આ દિપડાએ દોડધામ શરૂ કરી હતી અને એક વ્યકિત ઉપર હુમલો કર્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ તા. ૫ : રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં આજે દિપડો આવી ચડતા દોડધામ મચી ગઇ છે. આ દિપડાએ એક વ્યકિત ઉપર હુમલો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલ શહેરના ભગવતપરા વિસ્તારમાં આવેલ શાળા નં. ૫ પાસે બંધ મકાનમાં દિપડો ઘુસ્યો હોવાની માહિતી કોઇને મળી હતી. જેથી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને વન વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવી હતી.

આ દિપડો પણ લોકોના ટોળા જોઇને ભારે ઉછળકુદ કરવા લાગ્યો હતો. વનવિભાગ, પોલીસ અને કોર્પોરેશનની ટીમે આ દિપડા પાછળ દોડીને સાવચેતીપૂર્વક તેને પાંજરામાં પૂરવા કવાયત હાથ ધરી છે.

દિપડાને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરાતા ગોંડલ પાલિકા પ્રમુખ, ગોંડલ પ્રાંત અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો છે.

દિપડાને ઝડપી લેવા માટે રેસ્કયુ ઓપરેશન સમયે પાલિકાના કર્મચારી ઉપર આ દિપડાએ હુમલો કરતા તેમને તાબડતોબ ગોંડલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.

આ લખાય છે ત્યારે દિપડાને એક રૂમમાં સાવચેતીપૂર્વક પુરી દેવામાં આવ્યો છે અને વધારાની વન વિભાગની ટીમને બોલાવીને દિપડાને પાંજરામાં કેદ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.

(3:14 pm IST)