સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

પોરબંદર-છાંયાની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજનું યુ.કે. હોસ્પિટલ સાથે જોડાણ : વિદેશમાં નોકરીની તક વધશે

પોરબંદરના છાંયાની નર્સિંગ કોલેજ દ્વારા લંડનની હોસ્પિટલ સાથે ટાઇઅપ થવા અંગેની માહિતી આપવાનો સેમિનાર યોજાયો તેની તસ્વીર.

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. પ : છાંયા વિસ્તારની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજનું યુ.કે.ની હોસ્પિટલ સાથે જોડાણ (ટાઇઅપ) કરવામાં આવતા આ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિદેશમાં નોકરીની તક વધશે.

છાંયાની સ્વામિનારાયણ નર્સિંગ કોલેજનું યુ.કે. લંડન હોસ્પિટલ સાથે જોડાણ કર્યાની માહિતી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ દ્વારા આપવામાં આવી હતી અને જણાવેલ કે, સ્વામિનારયાણ ગુરૂકુલ, છાંયા-પોરબંદર અને રાણાવાવ સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામિજીના શુભાશિષથી સંચાલિત શ્રી સ્વામિનારાયણ આર.પી. બદીયાણી એન્ડ એસ.આર. બદીયાણી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, છાંયા-પોરબંદર શૈક્ષણિક વર્ષ-ર૦૧૭થી પેરા મેડીકલ નર્સિંગના એ.એન.એમ., જી.એન.એમ. તથા બી.એસ.સી. (નર્સિંગ)નો ગુણવત્તાસભરે અભ્યાસ આપી રહેલ છે. પોરબંદર જીલ્લામાં આ નર્સિંગ કોલેજ પોતાના સર્વોત્તમ પરિણામ સાથે અગ્રેસર રહી છે. ચાલુ શૈક્ષણિક વર્ષ ર૦૧૯-ર૦ની ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા લેવાયેલ જી.એન.એમ.ના ફાઇનલ વર્ષની આ નર્સિંગ કોલેજ ૧૦૦ ટકા પરિણામ સાથે સર્વોચ્ચ શિખરને હાંસલ કરેલ છે. એટલું જ નહીં પરંતુ સ્વામિનારાયણ આર.પી. બદીયાણી એન્ડ એસ.આર. બદીયાણી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, છાંયા-પોરબંદરની જી.એન.એમ. પ્રથમ બેચની વિદ્યાર્થીની શિતલબેન અરજનભાઇ મોઢવાડીયાએ ગુજરાત રાજયકક્ષાએ જી.એન.એમ.ના ફાઇનલ વર્ષના તમામ વિદ્યાર્થીઓમાં સર્વપ્રથમ નંબર મેળવીને રાજયકક્ષાએ પ્રથમ નંબર સાથે પોરબંદર જીલ્લા અને શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ છાંયા સંસ્થાનું ગૌરવ વધારેલ છે.

પોરબંદર જિલ્લાને માટે ગૌરવ છે કે સ્વામિનારાયણ ગુરૂકુલ નર્સિંગ કોલેજ, છાંયા-પોરબંદર લંડન, યુ.કે.ની હોસ્પિટલ સાથે કાયમી ધોરણનું જોડાણ મેળવેલ છે. જે અંતર્ગત દર વર્ષે લંડનની આ હોસ્પિટલ સ્વામિનારાયણ આર.પી. બદીયાણી એન્ડ એસ.આર. બદીયાણી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, છાંયા-પોરબંદરના જી.એન.એમ. તથા બી.એસ.બી. (નર્સિંગ)ના વિદ્યાર્થીઓને વાર્ષિક અંદાજે શરૂઆતના તબક્કે ૩૦ લાખના આર્થિક પેકેજ સાથે નર્સિંગ જોબનીતક પૂરી પાડનાર છે. આ અંગે લંડન યુ.કે. જવા માંગતા ગુરૂકુલ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને માટે જે કોઇપણ પ્રકારની પૂર્વ તૈયારી કરવાની થાય છે તે અંગે લંડન યુ.કે.ની નર્સિંગ એન્ડ મીડ વાઇફ કાઉન્સિલની પરીક્ષા પાસ કરવા, આઇ.ઇ.એલ.ટી.એસ.ની પરીક્ષામાં પણ સારા બેન્ડ સાથે ઉર્તિણ થવા માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સ્વામિનારાયણ આર.પી. બદીયાણી એન્ડ એસ.આર. બદીયાણી ઇન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ, છાંયા-પોરબંદર દ્વારા કરવામાં આવેલ છે.

સારી રીતે ઉર્તિણ થયેલ વિદ્યાર્થી દિકરા-દિકરીઓ માટે સ્પોન્સરશીપ અને ત્યાં પહોંચ્યા પછી ત્રણ માસ સુધી રહેવા અને જમવાની વ્યવસ્થા પણ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલ છે. કોઇ દિકરા કે દિકરીને ત્યાં કાયમી ધોરણે સ્થાઇ થવાની ઇચ્છા હોય તો પણ પી.આર. મેળવવા માટેની તમામ જરૂરી માહિતી અને માર્ગદર્શન સંસ્થા દ્વારા આપવામાં આવી હતી.

(12:56 pm IST)