સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

ભાવનગર શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશમાં તંત્રની બેધારી નીતિ સામે કોંગ્રેસનો વિરોધઃ રેલી યોજી આવેદનપત્ર અપાયુઃ આમરણાંત ઉપવાસની ચીમકી

ભાવનગર, તા. ૫ :. મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેસ ચાલે છે. તેનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરતો નથી પરંતુ મહાપાલિકા દ્વારા એકને ગોળ અને એકને ખોળ જેવી ભેદભાવ જેવી નીતિનો વિરોધ કરવા આજે તા. ૪ને શુક્રવારે ભાવનગર શહેર કોંગ્રેસ કાર્યાલય સાગર કોમ્પ્લેક્ષ ખાતેથી કોંગ્રેસના આગેવાનો - કાર્યકરોએ રેલી યોજી હતી જે શહેરના રાજમાર્ગો ઉપર ફરી હતી અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવ્યુ હતું.

ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે ભાવનગર શહેરના કાળીયાબીડ જેવા વિસ્તારમાં મોટા મોટા ગેરકાયદેસર અને બોરતળાવની ડૂબની જમીન ઉપર પાકા બાંધકામો કરવામાં આવ્યા છે. તેની સામે કોઈ પગલા લેવામાં આવતા નથી આવા ગેરકાયદેસર દબાણો દરૂ કરાતા નથી. માત્ર ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોના ઝૂપડાઓ તોડી નાખવામાં આવે છે. નાના માણસોના દબાણો હટાવવામાં આવે છે આ રીતે બેધારી નીતિ અપનાવવામાં આવી રહી છે તેનો કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે. જો ૪૮ કલાકની અંદર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણા અને આમરણાંત ઉપવાસની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. આ બાબતે મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય કોર્પોરેટર દ્વારા પણ વિરોધ કરવાાં આવેલ છતા કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ફકત ખાત્રી આપેલ છતા આજદીન સુધી કોઈ પગલા લેવામા નહીં આવતા આ બાબતે રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી અને સંબંધીત વિભાગના અધિકારીને રજૂઆત કરેલ છતા કોઈ કાર્ય વાહી કરવામાં આવેલ નથી. લોકોમાં એવી ચર્ચા થાય છે કે, આ બાબતે મોટી સોદાબાઝી થઈ હોય અથવા તો મામા-માસીના દિકરા હોય તેમની સામે કાર્યવાહી થતી નથી તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યુ હતુ. આજે આવેદનપત્ર આપતી વેળાએ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવનગર મહાનગરપાલિકા વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલ, કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા નગરસેવકો, શહેર કોંગ્રેસના પદાધિકારીઓ, હોદેદારો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)