સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

ભાવનગરના સાહિત્ય ક્ષેત્રના

પ્રખર લેખક, અનુવાદક, ગ્રંથપાલ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર જયંતભાઇ મેઘાણીનું અવસાન

કોમ્પ્યુટર પર સાહિત્યનું કાર્ય કરતા પ્રાણ પંખેરૂ ઉઠી ગયુ

(મેઘના વિપુલ હીરાણી) ભાવનગર તા. પ :.. ભાવનગરના સાહિત્ય ક્ષેત્રના લબ્ધ પ્રતિષ્ઠિત લેખક, અનુવાદક, ગ્રંથપાલ શ્રી જયંતભાઇ ઝવેરચંદભાઇ મેઘાણીનું આજે તેમના નિવાસ સ્થાને ૮ર વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે. તેઓ દલિત અને વંચિતોના ઉપરના ગુજરાતી પુસ્તકનું અંગ્રેજીમાં અનુવાદ કરતા હતા ત્યારે ભાવનગરના ફુલવાડી ચોક વિસ્તારમાં આવેલા 'સત્વ' એપાર્ટમેન્ટમાં  હૃદયરોગનો હૂમલો આવ્યો અને કમ્પ્યુટર પર કામ કરતા જ ટેબલ પર જ માથુ ઢાળી દીધુ હતું. પરિવારના સભ્યો તેમના પત્નિ લતાબેન તેના બે પુત્રો નિરજ અને નિહાર તેમની પાસે હતાં. અને તેના અવસાનના ખબર શહેરમાં પ્રસરતા ભારે શોકની લાગણી છવાઇ હતી. તેમની ઇચ્છા મુજબ દેહદાન કરાયુ હતું. ચક્ષુદાન પણ કરવાની ઇચ્છા હતી પરંતુ આરોગ્યના કેટલાક કારણથી ચક્ષુદાન ન અપાયું. જયંતભાઇએ તેમનુ જીવન સાહિત્યના પ્રચાર-પ્રસારમાં સમર્પિત કર્યુ. જયંતભાઇના ભત્રીજા શ્રી ગોપાલભાઇ મહેન્દ્રભાઇ મેઘાણી એ જયંતભાઇ વિશે જણાવ્યુ હતું કે જયંતભાઇએ તેના પિતા પ્રખર સાહિત્યકાર અને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ પામેલા શ્રી ઝવેરચંદ મેઘાણીના (પિતાના) પગલે ખુબ કાર્ય કર્યુ. તેમની કારકીર્દીની શરૂઆત ગાંધી સ્મૃતિ સંસ્થાના ગ્રંથપાલ તરીકે કરી તેમની સુઝ અને આવડતથી ગાંધી સ્મૃતિની લાઇબ્રેરીને આદર્શ અને સમૃધ્ધ લાઇબ્રેરી તરીકે વિકસાવી હતી.

ત્યારબાદ મહેન્દ્રભાઇ મેઘાણી (તેના મોટાભાઇ) ની સાથે લોકમિલાપ સંસ્થામાં જોડાયા અને લેખન અને પ્રચારનું કાર્ય કર્યુ. ત્યારબાદ 'પ્રસાર' નામથી પોતાનું અલગ સાહિત્ય શોરૂમ કરેલ. જેમાં તેના પુત્ર નિહારભાઇ કામ કરતા હતાં.

સાદા, સરળ અને મૃદુભાષી જયંતભાઇની પસંદગી અમેરિકાના વોશીંગટનમાં લાઇબ્રેરી કોંગ્રેસમાં ગુજરાતી પુસ્તકો વસાવવા તેની નિમણુક થઇ હતી જે ગૌરવની વાત છે.

સારા ખોરાકની માણસના શરીરને જરૂર હોય છે તેમ માણસના મનને સારા સાહિત્યની જરૂર છે. વાંચન પ્રવૃતિના વિકાસ માટે જીવન પર્યાત કાર્ય કર્યુ. અનેક પડકારો અને મુશ્કેલીઓ વચ્ચે અડગ રહી સાહિત્યના સારા પ્રચારક બનીને રહયા, જીવ્યા. તેમની આ સેવા કયારેય નહી ભુલાય તેમ શ્રધ્ધાંજલી અર્પતા પીનાકીભાઇ મેઘાણીએ જણાવ્યું છે.

(11:47 am IST)