સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

ભાવનગર-૨૫, મોરબી-૨૨, કચ્છમાં ૧૮ નવા કેસ

ગોંડલ શહેર અને તાલુકા વિસ્તારના લોકો માસ્ક વિના બહાર નિકળશે તો રેપીડ ટેસ્ટ કરાશે : વિસાવદર વકિલ મંડળના પ્રમુખને કોરોના વળગ્યો

રાજકોટ તા. ૫ : કોરોનાનો કહેર યથાવત રહ્યો છે ત્યારે તેને નાથવા સરકારી તંત્ર દ્વારા વિવિધ કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. જોકે કેસ વધી જ રહ્યા છે.

ભાવનગરમાં ૧૭ કોરોનામુકત

ભાવનગર : જિલ્લામા વધુ ૨૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૩૦૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૪  સ્ત્રી મળી કુલ ૨૦ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩ તથા મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૪ તેમજ તાલુકાઓના ૩ એમ કુલ ૧૭ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૩૦૫ કેસ પૈકી હાલ ૮૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૧૪૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી જિલ્લામાં  ૬ દર્દી ડીસ્ચાર્જ

મોરબી જીલ્લામાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. નવા ૨૨ કેસો નોંધાયા છે તો વધુ ૦૬ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુકયા છે.નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૮ કેસોમાં ૦૯ ગ્રામ્ય અને ૦૯ શહેરી વિસ્તાર, વાંકાનેરના ૦૨ કેસો શહેરી વિસ્તાર, હળવદનો ૦૧ કેસ શહેરી વિસ્તાર અને ટંકારાનો ૦૧ કેસ ગ્રામ્ય વિસ્તાર મળીને કુલ ૨૨ કેસો નોંધાયા છે જયારે વધુ ૦૬ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૭૮૨ થયો છે. જેમાં ૨૧૪ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૩૯૪ દર્દીઓ સ્વસ્થ થયા છે.

કચ્છમાં પ્રથમ તબક્કે  ૧૩૫૧૫ને ડોઝ

કોરોના મહામારી વચ્ચે લોકોમાં કોરોના નો ડર પણ છે. ત્યારે કચ્છ જિલ્લા કલેકટર દ્વારા ભુજમાં શરૂ કરાયેલા કોવીડ કંટ્રોલ રૂમમાં કોરોનાના માટેની પૂછપરછ, સારવાર અને ફોલોઅપ માટે હોસ્પિટલમાં દરરોજના ૧૫૦ જેટલા ફોન થાય છે. ડિઝાસ્ટર મામલતદાર સી.આર. પ્રજાપતિના માર્ગદર્શન નીચે અન્ય અધિકારીઓ દ્વારા આ કંટ્રોલ રૂમનું સંચાલન થાય છે. કન્ટ્રોલ રૂમ નો ફોન નંબર ૦૨૮૩૨ ૨૨૭૪૯૫ છે. દરમ્યાન રસીકરણ ના સંભવિત કાર્યક્રમ ને પગલે કરછમાં પ્રાથમિક સર્વે શરૂ કરી દેવાયો છે.

કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર ના જણાવ્યા પ્રમાણે હજી રસી આવી નથી પણ સરકારના આદેશને પગલે સર્વે શરૂ કરી દેવાયો છે. જે અનુસાર ૫૦ વર્ષથી નીચેના બીમાર હોય એવા ૨૫૫૫ વ્યકિત ઓ પ્રથમ તબક્કામાં તારવાયા છે. જોકે,સમય સાથે આ સંખ્યા વધી ઘટી શકે છે. આ સિવાય પ્રથમ તબક્કામાં રસીકરણ ફ્રંટલાઈન વર્કર એવા આરોગ્ય કર્મીઓને કરાશે જેમાં ૧૩૫૧૫ આરોગ્ય કર્મીઓનો સમાવેશ થશે. ત્યારબાદ પોલીસ કર્મી, સીનીયર સીટીઝન એ રીતે લીસ્ટ બનતું જશે.

કોરોનાની આંકડાકીય વાત કરીએ તો નવા ૧૮ દરદીઓ સાથે કુલ આંકડો ૩૩૬૦ થયો છે. એકિટવ કેસ ૨૪૩ છે. જયારે સાજા થનાર દરદીઓ ૩૦૦૧ અને મૃત્યુ પામનારા ૭૩ છે. જોકે, આંકડાઓ બાબતે તંત્ર શંકાના દાયરામાં છે.

શિક્ષાત્મક તથા  દંડનીય કાર્યવાહી

ગોંડલ : કોરોના અંતર્ગત ગોંડલ સબ ડિવિઝનમાં સમાવિષ્ટ થતા ગોંડલ શહેર તથા તાલુકા વિસ્તારનાં નાગરીકોને પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા જણાવાયું છે કે

ગોંડલ સબ ડિવિઝનમાં સમાવિષ્ટ થતા ગોંડલ તાલુકાનાં શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તારનાં લોકો માસ્ક પહેર્યા વિના બહાર નીકળે છે અને સરકાર દ્વારા કોવીડ-૧૯ ની ગાઈડલાઈન પાલન કરતા નથી. તેવા તમામ લોકો તેઓનાં ઘરમાંથી બહાર નીકળતી વખતે બિનચૂક રીતે માસ્ક પહેરે તથા સરકાર દ્વારા કોવીડ–૧૯ નાં સંક્રમણને અટકાવવા બાબતે નિયત કરાયેલ ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરે અન્યથા તાલુકા વહીવટીતંત્રની નિયત કરવામાં આવેલ ટીમ દ્વારા માસ્ક પહેર્યા વિના ફરતા લોકોના આરોગ્ય વિભાગની ચકાસણી ટીમ દ્વારા ફરજીયાત રીતે કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે અને માસ્ક પહેર્યા વિનાનાં ફરતા આવા લોકો આ ટેસ્ટ દરમ્યાન જો કોરોનાં લક્ષણો ધરાવતા હોવાનું ધ્યાને આવશે તો તેઓ સમક્ષ સરકારની કોવીડ–૧૯નાં સંક્રમણને અટકાવવા સંદર્ભે આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી આવા નાગરીકો સામે કોરોના સંક્રમણ ફેલાવવા બદલ શિક્ષાત્મક તથા દંડનીય કાર્યવાહી કરવાની ફરજ પડશે. જેની ગોડલ શહેર તાલુકાનાં તમામ લોકો નાગરીકોએ ગંભીરપણે નોંધ લેવા તાલુકા વહીવટીતંત્ર તરફથી અપીલ કરવામાં આવે છે.

મોરબીમાં માસ્ક ના પહેરનાર, સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૨૩ને દંડ

મોરબીના પ્રાંત અધિકારી ડી એ ઝાલાની સુચનાથી ૫ ટીમોની રચના કરવામાં આવી હતી જેમાં ૨ તલાટી મંત્રી અને એક નગરપાલિકા કર્મચારી સામેલ હતા ત્રણ ટીમો સીટી મામલતદાર જી એચ રૂપાપરા અને બે ટીમો ગ્રામ્ય મામલતદાર ડી જે જાડેજાના માર્ગદર્શન હેઠળ ચેકિંગમાં નીકળી હતી મોરબી શહેરના રવાપર રોડ, શનાળા રોડ, વીસીફાટક, મહારાણા પ્રતાપ સર્કલ અને ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. જેમાં શહેરના દેવુભાઇ ગાંઠિયાવાળા, વી માર્ટ, કિશન જવેલર્સ, પટેલ પાન અને પટેલ લેડી વેર સહિતના સ્થળોએ માસ્ક પહેર્યું ના હોય અને સોશ્યલ ડીસટન્સનો અભાવ જોવા મળ્યો હોય જેથી પાંચેય ટીમો મળીને કુલ ૨૩ લોકોને ૨૩ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

(11:44 am IST)