સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

બનશે ટુરીઝમ સ્પોટ

'બ્લુ બીચ' શિવરાજપુર બીચને જમીન માર્ગે જ નહિ દરિયાઇ માર્ગે સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડી દેવાશે

અમદાવાદ તા. ૫ : દ્વારકા પાસેના શિવરાજપુર બીચને દુનિયાના બ્લુ બીચમાં સ્થાન મળ્યા બાદ આ જગ્યાને ટુરિઝમ સ્પોટ તરીકે વિકસાવવા માટે સરકાર અનેકવિધ પ્રોજેકટ હાથ થરી રહી છે. તેના ભાગરૂપે આ બીચને જમીન માર્ગે જ નહીં પરંતુ દરિયાઈ માર્ગે પણ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો સાથે જોડવા માટે વિચરણા કરી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતા શિવરાજપુર બીચને વધુ સુવિધા આપવા માટે ગુજરાત ટુરીઝમનીટીમ શિવારજપુર પહોંચી હતી. અહીં સર્વે કર્યા બાદ શિવરાજપુર પહોંચવા બીચ પર જવા માટેના રસ્તાને ટૂંક સમયમાં પહોળો કરવો તેમજ અન્ય બે રસ્તાઓના નિવિનિકરણનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા શિવરાજપુર બીચ પર જતા રસ્તાની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલના રોડ ૧૪ મીટર પહોળા કરી પ્રવાસીઓને આવવા-જવાની સુવિધામાં વધારો કરવામાં આવશે. તે સિવાય બીજા બે એપ્રોચ રોડ પણ આગામી દિવસોમાં નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર શિવરાજપુરને જોડતો એક મુખ્ય રોડ પણ આવનારા દિવસોમાં બનાવવામાં આવશે.યાત્રાધામ દ્વારકાથી ૧૧ કિમી દૂર આવેલા શિવરાજપુર બીચ પર આ વર્ષે દિવાળીના તહેવારમાં હજારોની સંખ્યામાં માનવ મેદની આવી હતી. જેને લઈને ઓખા દ્વારકા હાઈવે અને શિવરાજપુર બીચ વચ્ચેના સાંકડા માર્ગને વધુ પહોળો કરવો પડશે તેવી જરુરિયાત જણાતા ગુજરાત ટુરિઝમની ટીમ અને દ્વારકાના ઇન્ચાર્જ મામલતદાર દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં હાલના પક્કા રસ્તાને ૧૪ મીટર જેટલો પહોળો કરવામાં આવશે તેમ ગુજરાત ટુરિઝમના ડે. એકઝેકયુટિવ એન્જિનિયર શ્યામલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત ભવિષ્યમાં સરકાર દ્વારા દરિયાઈ માર્ગે પણ શિવરાજ પુર બીચ પર જઈ શકાય તેવું પ્લાનિંગ સરકાર કરી રહી છે. તેમ શ્યામલ પટેલે જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના અન્ય સ્થળોથી ક્રુઝ દ્વારા શિવરાજપુર બીચને દરિયાઈ માર્ગે જોડવાનો પ્લાન સરકાર વિચારી રહી છે.

(11:41 am IST)