સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

આર્મીના ૪૮ નિવૃત સૈનિકો જામનગરની જી.જી.સરકારી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં સિકયુરીટી યાર્ડ તરીકે બજાવે છે રાઉન્ડ ધ કલોક ફરજ

૨૭પ કોરોનાના મૃતક દર્દીઓના સગાઓને ૩પ લાખથી પણ વધુ કિંમતનો માલસામાન-રોકડ સલામત રીતે પહોંચાડતા સિકયુરીટી ગાર્ડ કમ એકસ આર્મીમેન :આગની સભંવિત દૂર્ઘટનાને પહોંચી વળવા- આપતિ વ્યવસ્થાપન માટે મહિનામાં બે વાર જી.જી. કોવિડ હોસ્પિટલમાં યોજાય છે મોકડ્રીલ

જામનગર તા.૫:  ભારતીય સેના-આર્મીમાંથી નિવૃત્ત્। થયા બાદ ૪૮ નિવૃત સૈનિકો જામનગરની ગુરૂ ગોવિંદસિંહજી સરકારી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં સિકયુરીટી ગાર્ડ તરીકે ચુસ્ત ફરજ રાઉન્ડ ધ કલોક(૨૪ કલાક) ત્રણ સિફટમાં બજાવી રહયા છે. એક મીની આર્મીના મથક જેવો માહોલ કોવિડ હોસ્પિટલ કેમ્પસનો બની ગયો છે.

સિકયુરીટી ગાર્ડ કમ એકસ આર્મીમેનના માધ્યમથી કોરોનામાં મૃત્યુ પામેલા ૨૭પ દર્દીઓનો ૩પ લાખથી પણ વધુ કિંમતોનો માલસામાન-રોકડ કોરોનાના દર્દીઓના સગા-સબંધીઓને પહોંચાડયો હતો. દર્દીઓના સગાઓને પહોંચાડયો તે માલસામાનમાં ૧.૪૬ લાખની રોકડ રકમ, ૪ર સોનાની વીંટી, ૬પ સોનાની બુટી, પ૩ સોનાના દાણા, પ સોનાના ચેન, ૭૩ સોનાની બંગડી, ૪૮ ચાંદીના વિવિધ દાગીના, ૧૨૩ એન્ડ્રોઇડ મોબાઇલ, ૧પપ સાદા મોબાઇલનો સમાવેશ થતો હોવાનું સિકયુરિટી ગાર્ડ નાથાભાઇ માડમે જણાવ્યું હતું.

સિકયુરીટી સુપરવાઇઝર કમ એકસ આર્મીમેન સજુભાઇ જાડેજા કહે છે કે અમે આર્મીમાં કામ કરીને આવ્યા છીએ. એટલે સલામતી તો અમારી પ્રાથમિકતા હોય જ.

સાથો સાથ અમે આગની સભંવિત દૂર્ધટનાને પહોંચી વળવા અને દર્દીઓને કેમ બચાવવા તેની તાલીમ સ્ટાફને આપીએ છીએ. આપતિ વ્યવસ્થાપન માટે સ્ટાફને તૈયાર કરીએ છીએ. મહિનામાં બે વાર મોકડ્રીલ પણ કરીએ છીએ.

સિકયુરીટી સુપરવાઇઝર કમ એકસ આર્મીમેન ખોડાભાઇ પટેલ કહે છે કે અમે કોવિડ હોસ્પિટલના આ પ્રતિબંધિત વિસ્તારમાં સ્ટાફ અને દર્દી સિવાય કોઇને પણ પ્રવેશવા દેતા નથી. ચુસ્ત નજર સલામતીની વ્યવસ્થા ઉપર રાખવામાં આવે છે. દર્દીઓના દ્યરેથી આવતા ટીફીનને પણ સલામત રીતે અંદર લાવવામાં આવે છે.

અન્ય એક સુપરવાઇઝર અન્સારી શમસેર અલી પણ કહે છે કે રાષ્ટ્રપ્રેમ સાથે અમે મા ભારતીની સેવા કરી છે અને હવે અમે આ હોસ્પિટલના માનવ મંદિરમાં માનવદર્દીઓની સેવા કરી રહયાનો સંતોષ મેળવી રહયા છીએ.

(11:35 am IST)