સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th December 2020

સોમનાથથી દિલ્હી :ખેડૂત આંદોલનને સમર્થન આપવા જૂનાગઢનો ખેડૂત પુત્ર બાઇક મારફતે દિલ્હી જવા રવાના

યુવાન ખેડૂત પુત્ર ધરમ હદવાણીએ પ્રત્યેક વ્યક્તિને ખેડૂતોના સમર્થનમાં આગળ આવવા કરી વિનંતી

જૂનાગઢ :છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં પંજાબ-હરિયાણા સહિત અનેક રાજ્યના ખેડૂતો ભારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના સમર્થનમાં હવે જૂનાગઢનો ખેડૂત યુવાન પુત્ર પણ આગળ આવ્યો છે અને બાઇક મારફતે સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથથી દિલ્હી સુધીની બાઈક સમર્થન યાત્રાનો પ્રારંભ કર્યો છે.ત્યારે જૂનાગઢ આવી પહોંચ્યા હતા.

  ધરમ હદવાણી નામનો યુવાન સોમનાથથી દિલ્હી સુધીની બાઈક યાત્રા પર નીકળી ચૂક્યો છે. ખેડૂતોના સમર્થનમાં બહાર આવેલો આ યુવાન દેશના પ્રત્યેક વ્યક્તિને ખેડૂતોના સમર્થનમાં બહાર આવવા તેમજ જે સુધારેલા કૃષિ કાયદો છે. તેનો વિરોધ કરીને જગતના તાતના સમર્થનમાં ઉભા રહેવા વિનંતી કરી હતી. ખેડૂત સમગ્ર વિશ્વનું પેટ ભરી રહ્યો છે ત્યારે આજે ખેડૂત ખૂબ મોટી સમસ્યામાં ફસાયેલો જોવા મળી રહ્યો છે. ખેતી અને જમીન બચાવવા માટે ઝઝૂમી રહેલા ખેડૂતો અંતિમ પ્રયાસના ભાગરૂપે દિલ્હીમાં આંદોલન પર ઊતરી આવ્યા છે. ત્યારે ખેડૂત આપણું પોષણ કરી રહ્યું છે તે પોતાની જમીન અને ખેતી બચાવવાનું જે આંદોલન કરી રહ્યા છે. તેમાં રાષ્ટ્રનો પ્રત્યેક નાગરિક ખેડૂતોના સમર્થનમાં બહાર આવે અને તેને ટેકો આપે તેવી વાત જૂનાગઢના યુવાન ખેડૂતપુત્રે કરી છે.

(4:55 pm IST)