સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

મહા વાવાઝોડા ઇફેક્ટ વચ્ચે કચ્છમાં બે ઇંચ વરસાદ થયો

કચ્છમાં સતત બીજા દિવસે ભારે વરસાદ થયો : દયાપરનું તળાવ ઓવરફ્લો : લખતર, દયાપર સહિતના પંથકોમાં એક કલાકમાં બે ઇંચથી વધારે વરસાદ ખાબક્યો

અમદાવાદ, તા.૫ : વાવાઝોડા મહાના કારણે આજે કચ્છમાં આજે સતત બીજા દિવસે ધોધમાર અને વીજળીની કડાકા ને ભડાકા વચ્ચે તોફાની વરસાદ વરસ્યો હતો. કચ્છ જિલ્લાના સરહદી વિસ્તાર દયાપર, લખતર સહિતના પંથકોમાં બપોરબાદ વીજળીના કડાકા ભડાકા સાથે બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ગામનું તળાવ ઓવરફલો થયું હતું અને દયાપર પાસેની પાપડીમાં વાવનું પાણી આવ્યું હતું. લખપત તાલુકાના દોલતપર, વિરાણી, ઘડુલી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી અષાઢી માહોલ સર્જાયો હતો. કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ સર્જાયેલો રહેતાં સ્થાનિક ખેડૂતો પણ ભારે ચિંતામાં ગરકાવ બન્યા હતા. આજે સતત બીજા દિવસે કચ્છના લખતર, દયાપર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે આ વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. ખાસ કરીને દયાપર ગામનું તળાવ ઓવરફલો થયુ હતું. હજુ પણ બે દિવસ સુધી કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

           મહાનું જોર થોડું નબળું પડયું છે આમ છતાં તે ગુજરાતના કાંઠે સાયકલોનીક સ્ટોર્મ એટલે કે વાવાઝોડાંના સ્વરૂપમાંજ ત્રાટકવાનું છે, તેની અસરના ભાગરૂપે કચ્છ-ભુજ પંથકમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મંગળવારે મોડી સાંજ પછી વાતાવરણમાં પલટો જોવા મળશે. મહા વાવાઝોડુ દીવ-પોરબંદર વચ્ચે ત્રાટકશે ત્યારે તેની અસર રૂપે કચ્છમાં પણ ૫૦થી ૬૦ કિ.મીની ઝડપે પવન ફુંકાશે. ખાસ કરીને દરિયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના વચ્ચે બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ જિલ્લાના મોટાભાગના સ્થળે હળવોથી મધ્યમ અને કેટલાક સ્થળે ભારે વરસાદ પણ વરસી શકે છે.

દરમ્યાન ડિઝાસ્ટર મામલતદાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે, તંત્રએ તમામ અગમચેતીના પગલાં ભર્યા છે. જિલ્લા કક્ષાએ તો કન્ટ્રોલ રૂમ કાર્યરત છે તેની સાથોસાથ તાલુકા કક્ષાએ પણ રાઉન્ડ ધી કલોક કન્ટ્રોલ રૂમ કાર્યરત રહે તે પ્રકારની સુચના આપવામાં આવી છે.

(9:18 pm IST)