સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

ભારે વરસાદ થાય તો ગિરનાર પરિક્રમા મુલત્વી રહી શકેઃ કલેકટર સૌરભ પારધી

સંભવિત વાવાઝોડાના સામના માટે તંત્ર સજ્જ : નહિતર તા. ૮ની રાત્રે પરિક્રમાનો પ્રારંભ થશે

જુનાગઢ તા. પ : ભારે વરસાદ થાય તો ગિરનાર પરિક્રમા મુલત્વી રહી શકે તેમ કલેકટર ડો.સૌરભ પારધીએ આજે સવારે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ.

મહા વાવાઝોડાની સંભવાનાને લઇ હવામાન વિભાગે ગીર સોમનાથ ઉપરાંત જુનાગઢ સહિત જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

દરમ્યાનમાં આગામી તા.૮ નવેમ્બરની ગરવા ગિરનાર ફરતે લીકી પરિક્રમા યોજાનાર છે ત્યારે આજે સવારે જિલ્લા સમાહર્તા ડો. સૌરભ પારધીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, વાવાઝોડાને લઇ ગિરનાર જંગલમાં પણ વરસાદ વરસે તો પરિક્રમાનો રૂટઅ ને કેડીઓ પરથી ચાલવુ મુશ્કેલ બની જાય આથી ગિરનાર જંગલમાં ભારે વરસાદ થાય તો લીલી પરિક્રમા મુલત્વીે રાખવાનો નિર્ણય લેવો પડે.

આમ છતાં વરસાદની સ્થિતિમાં પણ પરિક્રમા રૂટનું ઇન્સ્પેકશન કર્યા બાદ નકકી કરવામાં આવશે તેમ જણાવી કલેકટર ડો. સૌરભ પારધીએ વધુમાં જણાવેલ કે, વરસાદ કે અન્ય કોઇ સ્થિતિનું નિર્માણ ન થાય તો લીલી પરિક્રમા તા.૮ ની રાત્રીના શરૂ થશે.

કલેકટર ડો. સૌરભ પારધીએ જણાવેલ કે, મહા વાવાઝોડા સંદર્ભે તંત્ર દ્વારા તમામ જરૂરી પગલા હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને વાવાઝોડાની અસર થવાની છે એવા માંગરોળ, ચોરવાડ સહિતના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.

અગાઉની જેમ આ વખતે સંભવિત સ્થળાતંર સહિતની ફુલપ્રુફ તૈયારી કરી લેવામાં આવી હોવાનું કલેકટરશ્રીએ જણાવ્યું હતુ઼.

(1:19 pm IST)