સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

ખંભાળીયા-ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક રોગચાળો : સરકાર બાદ ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ

ખંભાળીયા, તા. પ : શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપક રોગચાળો થતાં અને હાલ કેટલાક દિવસથી ખંભાળીયા શહેરની મોટી અને જિલ્લાની વિભાગ સરકારી હોસ્પિટલમાં પણ ૧પ૦ બેડ છે તે તમામ ચીક્કાર થઇ ગયા પછી આવો જ ધસારો ખાનગી હોસ્પિટલોમાં પણ થયો છે.

ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને તાવ તથા શરદી ઉધરસ અને કળતરના કેસ ઢગલાબંધ થતાં હોસ્પિટલોમાં દાખલ કરવાની જગ્યા પણ ના હોય દર્દીઓને બાટલા ચડાવી ચડાવીને ઘેર મોકલી દેવામાં આવે છે તો ડેન્ગ્યુના ભયથી રીપોર્ટ કરાવવા ખાનગી, લેબોરેટરીઓમાં પણ કતારો લાગે છે તથા મેળા જેવું વાતાવરણ અહીંની ખાનગી લેબોરેટરીઓના સ્થળે પણ જોવા મળે છે.

ખંભાળીયાના સલાયા નાકા પાસે રહેતા એકજ મોમોવાલીયા પરિવારના સભ્યોમાં ૧ર વ્યકિતઓને તાવ ડેન્ગ્યુ થયેલા છે. આ  વિસ્તારમાં નિયમિત સફાઇ તથા ફોંગીંગ ના થતાં સ્થિતિ ખરાબ થઇ છે તો વોર્ડ ૭માં પણ પાંચથી વધુ કેસ ડેન્ગ્યુના નોંધાયા છે. સરકારી હોસ્પિટલમાં તપાસણી કરતા દર્દીઓમાં ખંભાળીયા શહેરના દર્દીઓની સંખ્યા વધુ હતી તો ગ્રામ્યમાં પ્રમાણ ઓછું જોવા મળ્યું છે.  ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં હાલ છ જગ્યા એમ.બી.બી.એસ. તબીબોની ખાલી છે તેમાં જામનગરની ચારને ડેપ્યુટેશનમાં મૂકાયા છે પણ રોજ  ૧૦૦૦/૧ર૦૦ દર્દીઓની સંખ્યા રહેતી હોય ડોકટરની સંખ્યા વધારવાની માંગ કરાઇ છે.

(1:12 pm IST)