સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

આગામી ૫ ડીસેમ્બરથી ૯ ડિસેમ્બર દરમ્યાન રીબડા ગુરુકુલ ખાતે આચાર્ય મહારાજને હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે: પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી

SGVP ગુરુકુલ રીબડા ખાતે યોજાયેલ સ્નેહ મિલન-શાકોત્સવ

 રાજકોટ તા.૪  નૂતન વર્ષના પ્રારંભે શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા ધર્મવત્સલદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં  શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રીબડા ખાતે ગુરુકુલ પરિવાર જનોનુ સ્નેહ મિલન યોજાયુ હતું.

આ પ્રસંગે રાજકોટ, ગોંડળ, રીબ, રીબડા, ગુંદાસરા, પીપળિયા, કાંગશિયાળી, વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા.

    કાર્યક્રમ શરુઆતે જયેશભાઇ સોરઠીયા, પરશોત્તમભાઇ બોડા, રમેશભાઇ વેકરિયા અને જયંતિભાઇ કાચા, વસંતભાઇ લીંબાશિયા, જમનભાઇ બાળધા, વગેરેએ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીને હાર પહેરાવી સ્વાગત અને પૂજન કર્યુ હતું.  

 પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ઘર આઁગણે પ્રગટેલા દિપાવલીના દિવડાઓ હ્રદયમાં પથરાયેલા ઘોર અંધકારને દૂર કરે તથા નવા વર્ષના નવા શુભ સંકલ્પો સૌના હ્રદયમાં અધ્યાત્મનો ઉજાશ પાથરતા રહે, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી શ્રી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, પૂ્જય જોગી સ્વામી વગેરે સંતોના આશીર્વાદ સહુ પરિવારજનો ઉપર અખંડ વરસતા રહે તેવી નૂતન વર્ષે પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના છે.

પુરાણી સ્વામીએ સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી ૫ ડીસેમ્બરથી ૯ ડિસેમ્બર દરમ્યાન રીબડા ગુરુકુલ ખાતે વડતાલ પીઠાધિપતિ પ.પૂ. ધ.ધુ.૧૦૦૮  આચાર્ય શ્રી રાકેશપ્રસાદજીમહારાજને હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ  ઉજવાશે. જેમાં મહાવિષ્ણુયાગ વગેરે અનેકવિધ કાર્યક્રમો રાખવામાં આવેલ છે.

  શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ ટેલિફોનથી આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ભૌતિક સંપત્તિ ગમે તેટલી ભેગી થાય પણ જો સમજણ ન હોય તો તે સમૃદ્ધિ ક્યારેય સુખ આપતી નથી. સંપત્તિ સાથે સરસ્વતીનો સંગમ થાય તો સોનામાં સુગંધ ભળે. ભગવાને આપેલી સંપત્તિનો ઉપયોગ જો દર્દીનારાયણ અને દરિદ્રનારાયણની સેવામાં થાય તો એ સંપત્તિ શુભ લક્ષ્મી ગણાય.

 નૂતન વરસે આપણે સંકલ્પ કરીએ કે, આપણાં ઘર, ગામ નગરોને સ્વચ્છ રાખીશું. વધારેમાં વધારે વૃક્ષો વાવીને આપણી માતા સમાન ધરતીને હરિયાળી બનાવીશું.

  આ પ્રસંગે ગુરુકુલ સંચાલક શા. ધર્મવત્સલદાસજી સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

  આ પ્રસંગે ખાસ શાકોત્સવ યોજાયો હતો. જેની તમામ વ્યવસ્થા હરિનંદનદાસજી સ્વામી, વિશ્વસ્વરુપદાસજી સ્વામીએ સંભાળેલ.                                                                       

 

પ્રતિ,આદરણીય તંત્રી શ્રી                                                                 કનુભગત

(1:03 pm IST)