સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

જસદણમાં ૩૬ વર્ષ પહેલા ટ્રેનની વ્હીસલ સંભળાતી!! હવે માત્ર સંભારણુ બની ગઇ

આઝાદી પહેલા રાજા રજવાડાના સમયમાં દરરોજ નેરોગેજ ટ્રેનની આવન-જવાન રહેતી હતી : આઝાદી પછી હવે રેલ્વે લાઇન અને રેલ્વે સ્ટેશન નામશેષ થવાના આરે... :સાંસદ કુંવરજીભઇ બાવળીયા-કુંડારીયાની રજૂઆત છતાં પ્લાનીંગ કમિશને બ્રોડગેજ લાઇનની વાત જ આગળ ન ધપવા દીધી!!

જસદણ : જસદણમાં ૧૯૩૦ થી ૧૯૮૩ સુધી ધમધમતુ રહેલ રેલ્વે સ્ટેશન પ્રથમ તસ્વીરમાં નજરે પડે છે. જયારે બીજી તસ્વીરમાં ખંઢેર જેવી હાલતમાં બની ગયેલ રેલ્વે સ્ટેશન નજરે પડે છે. (તસ્વીર : હુસામુદીન કપાસી)

 જસદણ તા. પ :..  રાજકોટ જિલ્લાના મહત્વના એવા જસદણ શહેર અને ગ્રામ્પ પંથકની જનતાએ પોતાના વિસ્તારમાં રેલ્વેનો પાવો છેલ્લા ૩૬ વર્ષથી સાંભળ્યો જ નથી. કરૂણતા તો એ બાબતની છે કે આઝાદી પહેલાં રાજા રજવાડાના સમયમાં અહીં નેરોગેજ લાઇન પર દરરોજ ટ્રેનની આવન-જાવન થતી હતી અને મુસાફરોને પણ સુવિધા મળી રહેતી હતી. પરંતુ સમય જતા મુસાફરોની આ આઝાદી પણ છીનવાઇ ગઇ હતી. હવે તો રેલ્વે લાઇન અને રેલ્વે સ્ટેશન પણ નામશેષ થવાના આરે આવીને ઉભા છે.

અગાઉ બોટાદ-જસદણ-ગોંડલ લાઇન કે જે નેરોગેજ લાઇન ચાલુ હતી તે પણ કન્વર્ઝનની રાહ જોઇ જોઇને થાકી છે. જે તે સમયે રેલ્વે બજેટ આવવાનું હોય ત્યારે પ્રજા હોંશે-હોંશે રાહ જોતી હતી કે કદાચ જસદણને ફરી રેલ્વેની સુવિધા મળવાની જાહેરાત થશે. પરંતુ જસદણની નબળી નેતાગીરીના કારણે હંમેશની માફક એ છેતરામણી જ સાબિત થતી આવી છે.

જસદણના પૂર્વ કોંગી ધારાસભ્ય અને હાલના રાજયના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ર૦૧૧ માં પ્લાનીંગ કમીશન સુધી રજૂઆતો કરી હતી અને સર્વે પણ હાથ ધર્યો હતો. ર૦૧૧ માં રેલ્વે સેવા ફરી શરૂ થશે.

તેવા તેમના દ્વારા એંધાણ પણ આપવામાં આવ્યા હતા અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં પ્લાનિંગ કમીશને આગળની કોઇ કાર્યવાહી જ ન કરી કમિશનને નેરોગેજમાંથી બ્રોડગેજ કન્વર્ઝન કરવાનો ખર્ચ પણ અનેકગણો વધુ ગણાવી તેની સામે આવકનું પ્રમાણ ઓછું હોવાનું જણાવી પડતું મૂકી દીધું હતું. ત્યારબાદ હાલના રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા પણ બે થી ત્રણ વાયદા આપી ચૂકયા છે પણ હજુ રેલ્વે શરૂ થઇ નથી. (પ-૬)

૧૯૮૩ પછી રેલ સેવા છીનવાઇ

જસદણ : જસદણમાં ૧૯૮ર-૮૩ ના  વર્ષ સુધી નેરોગેજ લાઇન ચાલુ હતી. પરંતુ ટ્રાફિકના અભાવે ભાવનગર રેલ્વે ડીવીઝને આ સ્ટેશન બંધ કરી દેવાનો નિર્ણય કરી લીધો હતો. ત્યારથી અહીંના લોકોની રેલવે સેવા બંધ જ છે. ત્યારે જસદણને રેલવેનો વારસો પરત મળે તે માટે રાજકીય નેતાઓને પણ સખ્ત મહેનત કરી આ સેવા ચાલુ કરાવે તે સમયની માંગ છે.

જસદણની રેલ્વે સેવા બંધ કેમ થઇ?

જસદણ : જસદણ રેલ્વે સ્ટેશન આઝાદી પહેલા તો ધમધમતુ હતું અને સારી એવી મુસાફરોની ભીડ પણ રહેતી હતી. ત્યારે માલ-સામાનની હેરફેરના લીધે રેલ્વેને સારી આવક પણ મળી રહેતી હતી. પરંતુ સમયાંતરે મુસાફરો ઘટયા અને સાથોસાથ માલની હેરાફેરી નહિવત થતા જ કોમર્શીયલ આવક પર જબરો ફટકો પડતા આ રેલ્વે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે જો ફરી રેલ્વે સુવિધા શરૂ કરવામાં આવે તો જસદણના વિવિધ ઉદ્યોગકારો અને મુસાફરોને મોટી સુવિધા મળી શકે અને રેલ્વે તંત્રને પણ જબરો લાભ લઇ શકે તેમ છે.

(11:48 am IST)