સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

પત્ની અને દિકરીને ઉપાડી જવાની વ્યાજખોરોની ધમકીથી જુનાગઢના આધેડ ૧પ દિવસથી ગુમ

યુવકની ફરીયાદના પગલે અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી

જુનાગઢ, તા., ૫: પત્ની અને દિકરીને ઉપાડી જવાની ધમકી વ્યાજખોરોએ આપતા જેનાથી ભયભીત થઇ જુનાગઢના એક આધેડ ૧પ દિવસથી ગુમ થતા પોલીસે અજાણ્યા શખ્સો સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા હિતેષભાઇ કાનજીભાઇ કાછડીયા -પટેલ નામના આઘેડે કેટલાક શખ્સો પાસેથી આર્થિક જરૂરીયાતને લીધે જુદી જુદી રીતે નાણા લીધા હતા.

આ નાણા ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરો વધુ નાણાની ઉઘરાણી કરી હિતેષભાઇને હેરાન પરેશાન કરતા હતા.

તેમજ નાણા બળજબરીથી કઢાવવા માટે હિતેષભાઇની પત્ની અને દીકરીને ઉપાડી જવાની વ્યાજખોરો ધમકી આપતા હોય જેથી કંટાળી હિતેષ કાછડીયા ગત તા.ર૧ ઓકટોબરનાં રોજ સવારે ૭ વાગ્યે ઘરેથી કહયા વગર જતા રહેલ.

૧પ દિવસથી આધેડ ઘરે પરત નહિ આવતા તેમના પત્ની જીજ્ઞાસાબેને ગઇકાલે જુનાગઢ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા અને અન્ય ઇસમો સામે કલમ ૩૮૭, ૩ર૩ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

ગુમ થયેલ આધેડ ગાડી લે-વેચનું કામ કરતા હોવાનું જાણવા મળેલ છે.

વિશેષ તપાસ બી ડીવીઝનના પીએસઆઇ કે.કે.મારૂ ચલાવી રહયા છે.

(11:14 am IST)