સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

'મહા' વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકશેઃ દરિયો તોફાની

હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ ખેડૂતો અને માછીમારો ચિંતીત

રાજકોટ,તા.૫: ગુજરાત પર હાલ 'મહા' વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં છે અને ગુજરાત તરફ આવે તેવી શકયતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું હવે દીવ અને પોરબંદરના દરિયાકિનારા વચ્ચે ત્રાટકશે. હવામાન વિભાગે વાવાઝોડા સમયે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરી છે.

આઈએમડીએ જાહેર કરેલા હવામાન બુલેટિનમાં કહેવાયું છે કે મહા વાવાઝોડું ભીષણ ચક્રવાતનું સ્વરૂપ લઈ ચૂકયું છે. અરબ સાગરમાં ઉત્પન્ન થયેલું મહા વાવાઝોડું સતત પ્રભાવક બની રહ્યું છે. અરબ સાગરમાં આવેલું આ વર્ષ ૨૦૧૯નૉ ચોથું વાવાઝોડું છે. વાવાઝોડાને કારણે ગુજરાતના ખેડૂતોમાં ચિંતા પેઠી છે. તો વાવાઝોડાની ગંભીરતા જોતાં ગુજરાત સરકાર સાબદી થઈ ગઈ છે.

કેન્દ્ર સરકારે મહા વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. વાવાઝોડું હાલમાં 'સિવિયર' શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. ૫ નવેમ્બરની આ વાવાઝોડું વધારે તીવ્ર હશે અને ત્યાર બાદ તે નબળું પડવાની શરૂઆત થશે. 'મહા'વાવાઝોડું આવનારા ૨૪ કલાકમાં ગુજરાત તરફ વળે તેવી શકયતા છે. જે બાદ તે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે. વાવાઝોડું જયારે ગુજરાત પરથી પસાર થશે ત્યારે પવનની ઝડપ ૧૦૦-૧૧૦ કિલોમિટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. જે વધીને ૧૨૦ કિલોમિટર પ્રતિ કલાક સુધી જઈ શકે છે.

હવામાન વિભાગના ડિરેકટર જયંતા સરકારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું, 'વાવાઝોડું હાલ અરબ સાગરમાં છે અને તે ગુજરાત તરફ આગળ વધશે. જોકે, હવે વાવાઝોડોની તીવ્રતા દ્યટી જશે. વાવાઝોડાના પગલે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. 'મહા'ના પગલે ગુજરાતમાં ફાયર - બ્રિગેડના કર્મચારીઓની રજા રદ કરી દેવાઈ છે અને રાજયનાં ૧૬ સ્ટેશનો પર છ-છ કર્મચારીઓની બે ટીમોને સતર્ક રખાઈ છે. પોરબંદર, દ્વારકા, વેરાવળ અને દીવમાં પણ ફાયરબ્રિગેડનાં સ્ટેશનોને સતર્ક કરી દેવાયાં છે.

આ વિસ્તારોમાં થશે ભારેથી અતિભારે વરસાદ ૬ અને ૭ નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે એવી શકયતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, મોરબીમાં ૬થી ૭ નવેમ્બરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ઉપરાંત નર્મદા, છોટા ઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં પણ આ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, ગાંધીનગરમાં પણ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાશે ત્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(11:12 am IST)