સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th November 2019

મહા વાવાઝોડાની આગાહીને પગલે સોમનાથનો કાર્તિકી મેળો કેન્સલ : . ડાયરા સહિતના કાર્યક્રમો પણ રદ્દ કરાયા

સોમનાથ :  મહા વાવાઝોડાની અસર હાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે ત્યારે દરિયા કિનારાના જિલ્લાઓમાં તંત્ર એલર્ટ પર છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિવિધ આયોજનો પણ રદ્દ કરવામાં આવી રહ્યા છે. મહાને કારણે દરિયાકાંઠે યોજાતા મેળાઓ પૈકી આ બીજો મેળો રદ્દ થયો છે. અગાઉ માધોપુરનો મેળો પણ રદ્દ કરવામાં આવ્યો હતો

  સોમનાથ મંદિર ખાતે દર વર્ષે આયોજીત કાર્તિકી મેળાને પણ રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 8-12 દરમિયાન કાર્તિકી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે મહા વાવાઝોડુ આ તારીખ દરમિયાન જ સોમનાથના દરિયાની આસપાસ ટકરાય અથવા તેની અસર વર્તાય તેવી શક્યતાઓ જોતા હાલ તો આ મેળાને રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડાયરા સહિતના કાર્યક્રમો પણ રદ્દ કરવામાં આવ્યા છે. 
    અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કાર્તિકી મેળાનું સોમનાથ મંદિર દ્વારા આયોજન કરવામાં આવેછે. આ મેળામાં મંદિર મોડી રાત સુધી ખુલ્લુ રાખવામાં આવે છે. મોડી રાતે મહાદેવની મહાઆરતી કરવામાં આવતી હોય છે. આ મેળામાં સૌરાષ્ટ્રનાં લાખો લોકો હાજર રહે છે. ડાયરાથી માંડીને વિવિધ આયોજનો પણ કરવામાં આવે છે. જો કે ચાલુ વર્ષે વાવાઝોડાની આગાહીને પગલે આયોજન રદ્દ કરવામાં આવ્યું છે.

(10:01 pm IST)