સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 5th October 2019

વાંકાનેર તાલુકામાં સિંચાઇ યોજના કૌભાંડમાં ગેરરીતિ આચરનારા પાસેથી નાણા વસુલવા માગણી

વાંકાનેર તા. પ :.. મોરબી જીલ્લાના સિંચાઇ યોજના કૌભાંડમાં વાંકાનેર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં રાજય સરકારના સિંચાઇના કામો માત્ર કાગળ ઉપર થયાની ચર્ચાઓએ વેગ ત્યારે પકકયો છે. જયારે કે આ યોજનાના કૌભાંડમાં વાંકાનેર પંથકની ૮ સિંચાઇ મંડળીઓના પ્રમુખની ધરપકડો તાજેતરમાં થવા પામી છે.

મોટા રાજકીય નેતાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોઇ મંડળીઓના પ્રમુખોની ધરપકડ બાદ વાંકાનેર તાલુકાના મેસરીયા - ચંદ્રપર-લુણસર-પંચાસીયા અને તિથવા અને અન્ય ગામોમાં સિંચાઇ યોજનાના કામો માત્ર કાગળ ઉપર થયા છે અને સરકારની તીજોરીમાંથી કરોડો રૂપિયાના કૌભાંડો આચરાયા હોવાનું ઠેક ઠેકાણેથી જાણવા મળી રહેલ છે.

આ કરોડોના કૌભાંડને રફેદફે કરવા વાંકાનેર વિસ્તારના કહેવાતા મોટા માથાઓ ભૂગર્ભ રીતે વ્યસ્ત જોવા મળે છે અને ભાગ બટાઇના હિસાબો લેનારાઓ ભૂગર્ભમાં ઉતરી ગયાનું પણ જાણવા મળે છે. ત્યારે મોરબી જીલ્લા પોલીસ વડા તથા કલેકટરશ્રી આ કૌભાંડોનો પર્દાફાશ કરી સરકારી તીજોરીમાંથી ઉપાડેલા નાણા તાત્કાલીક કૌભાંડકારોથી વસુલ કરે તેવી માગણી વાંકાનેર તાલુકામાંથી ઉઠી છે.

(11:53 am IST)