સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th October 2018

સિંહોની ચકાસણી શરૂ થયા બાદ એકપણ સિંહનો ભોગ લેવાયો નથી

રેસ્કયુ સેન્ટરમાં સિંહ સ્વસ્થઃ જુનાગઢ મુખ્ય વન સંરક્ષકનો દાવો

જુનાગઢ તા.પ : વન્ય પ્રાણી વર્તુળના વન સંરક્ષકશ્રીએ જણાવ્યું છે કે ગીર પૂર્વ વિસ્તાર વિભાગ, ધારીના કાર્યક્ષેત્રમાં દલખાણીયા રેન્જમાં તા.૧ર/૯/ર૦૧૮ થી તા.ર/૧૦/ર૦૧૮ સુધીમાં રોણીયા વિસ્તારમાં ર૩ સિંહોના મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે. આ બાબતે ભારત સરકારની ટીમ અને નિષ્ણાંતોની ટીમ દ્વારા મુલાકાત લઇને તમામ બાબતની સમીક્ષા કરવામાં આવેલ હતી અને વન વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીને સમર્થન આપેલ છે.

સાવચેતીના પગલા સ્વરૂપે સેમરડી વિસ્તારમાંથી ૩૩ સિંહોને આઇસોલેટ કરીને રાખવામાં આવેલ તમામ સિંહો સ્વસ્થ પરિસ્થિતિમાં છે તેની ટીસ્યુ ચકાસણીના રીપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ સેન્ટર ઉપર વેટરનરી ડોકટર, ક્ષેત્રિય કર્મચારી દ્વારા સતત દેખરેખ ચાલુ છે તેમજ સીસીટીવી થી તેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે.

સાવચેતીના પગલા સ્વરૂપે પ્રતિકારક વેકસીનના ૩૦૦ ડોઝ તા.પ/૧૦/ર૦૧૮ ના મોડી સાંજ સુધીમાં અમેરિકાથી જુનાગઢ પહોંચી જશે. પશુ નિષ્ણાંતોની હાજરી તેમજ રેસ્કયુ હેઠળ સિંહ જુથની ચકાસણી રીપોર્ટ ધ્યાને લઇને રસીકરણ બાબતે સ્થળ ઉપર નિર્ણય લેવામાં આવશે.

રોણીયા અને સેમરડી વિસ્તારમાંથી ચકાસણી પૂર્ણ કર્યા પછી બીજા તબકકાની કામગીરીમાં નવા વિસ્તારોને ચકાસણી તેમજ સેમ્પલીંગ હેઠળ લેવાનું શરૂ કરવામાં આવેલ છે જેમાં રોણીયા વિસ્તારના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ ભાગમાં સ્થાયી થયેલ જુદા જુદા સિંહ જુથના પ્રતિધિનિત્વ કરતાં સિંહ સભ્યની ચકાસણીની કામગીરી ગત રાત્રીથી શરૂ કરવામાં આવી છે.

જેનાં આધારે જીરા ગામ, ગઢીયા પાતળા, ખાંભા અને વિસાવદર વિસ્તારમાંથી ૧૩ સિંહોના ચકાસણી અર્થે સેમ્પલ લઇને NIV પુના IVRI ઇજજતનગર, બરેલી વેટરનરી કોલેજ, જુનાગઢ અને ગુજરાત બાયોટેક રિસર્ચ સેન્ટર, ગાંધીનગર મોકલવામાં આવેલ છે અને ચકાસણી શરૂ થયેલ છે તેનો રિપોર્ટ મળ્યા પછી આગળની વ્યુહ રચના બનાવવામાં આવશે. તા. ર૦/૧૦/ર૦૧૮ પછી કોઇપણ સિંહનું મૃત્યુ થયેલ નથી અને રેસ્કયુ સેન્ટરમાં રાખેલ સિંહ સ્વસ્થ અને સારી હાલતમાં છે તેમ અંતમાં મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું છે.(૬.૯)

 

(12:22 pm IST)