સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th August 2021

મોરબીમાં ટ્રક હડતાળ ચાલુ રહેશે :કાયદો હાથમાં ન લેવા ટ્રાન્સપોર્ટરોને કલેકટરની તાકીદ

કલેકટર કચેરી ખાતે મળેલી ટ્રાન્સપોર્ટ એસોશિએશન, સીરામીક એસોશિએશન સહિતના સંગઠનોની બેઠકમાં કોઈ નિરાકરણ ન આવ્યું

મોરબી : માલ એની મજૂરી પેટર્ન મુજબ ભાડાની માંગ સાથે ચાલતી ટ્રક-ટ્રાન્સપોર્ટરોની હડતાળ મામલે ગઈકાલે મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી જુદાજુદા સંગઠનો અને ટ્રાન્સપોર્ટ એસોશિએશનની બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નથી. પરંતુ હડતાળની આડમાં હાઇવે ઉપર ટ્રાન્સપોર્ટરના નામે માલ પરિવહન કરતા ટ્રકને રોકી હેરાનગતિ કરવામાં આવી રહી હોય આ મુદ્દે જિલ્લા કલેકટર દ્વારા ટ્રક માલિકોને કાયદો હાથમાં ન લેવા તાકીદ કરી હતી ને જો કાયદો હાથમાં લેવામાં આવશે તો કાયદો કાયદાનું કામ કરશે તેવું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ દેશભરમાં જિસકા માલ ઉસકા હમાલ પદ્ધતિ એટલે કે જેનો માલ તે મજૂરી ચૂકવે તેવી માંગ સાથે ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા હડતાળ શરૂ કરવામાં આવી છે. જે અનવ્યે મોરબી જિલ્લામાં આગોતરી તા.૨૬ જુલાઈથી હડતાળ શરૂ કરવામાં આવતા સીરામીક એકમો અને પેપરમીલ ઉદ્યોગને માઠી અસર પડી છે. હાલમાં હડતાળને કારણે નેનો ટાઇલ્સ એકમોમાં ૧૦ ઓગસ્ટથી પ્રોડક્શન બંધ કરવા જાહેરાત કરાઈ છે. તો બીજી તરફ પેપરમિલોમાં પણ પ્રોડક્શન ઠપ્પ થી જતા ગઈકાલે જિલ્લા કલેકટર દ્વારા ટ્રાન્સપોર્ટ એસોશિએશનને હડતાળના નિરાકરણ માટે બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં સીરામીક એસોશિએશન, ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશન સહિતના સંગઠનો હાજર રહ્યા હતા પરંતુ ટ્રાન્સપોર્ટ એસોશિએશન દ્વારા દેશવ્યાપી આ હડતાળમાં નક્કી કરાયા મુજબ જેનો માલ એની મજૂરી પદ્ધતિનો આગ્રહ સેવતા કોઈ નિરાકરણ આવ્યું ન હતું. જો કે આ બેટકમાં જિલ્લા કલેકટરે ટ્રાન્સપોર્ટ એસોશિએશનને લોકશાહી ઢબે ચાલતી હડતાળ સામે કોઈ પ્રશ્ન નથી પરંતુ હાઇવે ઉપર માલ પરિવહન કરતા ટ્રકને રોકી જે ટોળાશાહી ચલાવવામાં આવે છે તે કોઈ કાલે ચલાવી નહીં લેવાય તેવું સ્પષ્ટ કરી જો કાયદો હાથમાં લેવામાં આવશે તો કાયદો કાયદાનું કામ કરશે તેવી તાકીદ કરી એક પણ ટ્રકને ન રોકવા તાકીદ કરી છે.

(7:19 pm IST)