સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th August 2021

વિસાવદર પાલિકાનાં પૂર્વ નગરસેવક-ધારાશાસ્ત્રી સમીર પટેલ કોંગ્રેસ છોડી 'આપ'માં જોડાયાઃ ધારાસભાના ઉમેદવાર..?: અવનવા તર્કવિતર્ક

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૫: વિસાવદર નગર પાલિકાના પુર્વ નગર સેવક-અગ્રગણ્ય ધારાશાસ્ત્રી શ્રી સમીરભાઈ આર.પટેલ કોંગ્રેસ છોડી મહેશ સવાણી-પ્રવીણ રામની ઉપસ્થિતિમાં વિધિવત્ રીતે 'આમ આદમી પાર્ટી'માં જોડાઈ પક્ષનો ખેસ અને ટોપી ધારણ કરતા સમગ્ર પંથકમાં અવનવા રાજકીય તર્કવિતર્ક થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,લેઉઆ પટેલ સમાજની બહોળી વસ્તી ધરાવતા વિસાવદર પંથકનાં સૌથી સીનીયર ધારાશાસ્ત્રી- પૂર્વ શિક્ષણ શાસ્ત્રી- પૂર્વ સરપંચ-પૂર્વ લાયન્સ પ્રમુખ- પૂર્વ હોમગાર્ડઝ કમાન્ડર-સરદાર પટેલ સેવા સમાજના વર્તમાન ટ્રસ્ટી શ્રી રાઘવજીભાઈ દેવશીભાઈ પટેલ ઉર્ફે 'વકીલ આર.ડી.પટેલ સાહેબ'ના સમીર પટેલ પુત્ર છે,એટલે કે તેમનુ ફેમીલી બેકગ્રાઉન્ડ પહેલેથી જ રાજકીય-સામાજિક દ્રષ્ટીએ મજબૂત છે.

ખુદ સમીર પટેલ છેલ્લા ૨૧ વર્ષથી વકીલાત કરે છે.બાર એસોશીએશનના પ્રમુખ રહી ચૂકયા છે.વિસાવદર નગર પાલિકામાં એક ટર્મ કોંગ્રેસના સદસ્ય પણ રહી ચૂકયા છે.હાલ સરદાર પટેલ શૈક્ષિણક સંકુલના 'કાયમી સમાધાન પંચ'ના સદસ્ય છે અને તાજેતરમાં જ કર્મવીર સમિતિ દ્વારા સમાજશ્રેષ્ઠી તરીકે સન્માનિત છે.

જન્મજાત વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા સમીર પટેલ એકાએક કોંગ્રેસ છોડી ' આમ આદમી પાર્ટી'માં જોડાયા એ દ્યટના સંદર્ભે રાજકીય નિરિક્ષકો અનેકવિધ સમિકરણો માંડી રહ્યા છે.આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર-ભેસાણ બેઠક પરનો આમ આદમી પાર્ટીનો ચહેરો પણ સમીર પટેલ હોય શકે તેવા રાજકીય ગણીત પણ મંડાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીનાં પ્રદેશ નેતા શ્રી મહેશભાઈ સવાણી-પ્રવીણભાઈ રામે સમીર પટેલને 'આપ'માં હર્ષભેર આવકાર્યા છે.વિસાવદર-ભેસાણ વિધાનસભા મતક્ષેત્રમાં જબરૂ મિત્ર વર્તુળ-સમુહ ધરાવતા સમીર પટેલની 'આપ'માં વિધિવત્ જોડાયા બાદની રાજકીય ગતિવિધિઓ તરફ સૌની મીટ મંડાઈ છે. સમીર પટેલ (મો.૯૪૨૬૪ ૨૨૧૬૫)નો સંપર્ક સાધી તેમના 'મનની વાતો' જાણવાનો પ્રયાસ કરતા તેઓનો સંપર્ક થઈ શકયો નથી.

(11:56 am IST)