સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th August 2021

શ્રાવણ માસનો સૌરાષ્ટ્રનો પ્રથમ લોકમેળો

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે યોજાતો મેળો આ વર્ષ પણ બંધ

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા. પ :.. સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના પ્રાગટય દીન શ્રાવણ માસના બીજા સોમવારે ભરાતા લોક સાંસ્કૃતિક મેળો આ વર્ષ પણ કોરોનાના ભય તળે બંધ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના લઘુમહંત જીતેન્દ્રપ્રસાદ ગુરૂ રવીપ્રકાશજીએ જણાવ્યું છે.

વાંકાનેરથી ૧૦ કિ. મી. દુર લીલાછમ ડુંગરાઓ પૈકીનો એક ડુંગર 'રતન ટેકરી' તરીખે ઓળખાય છે અને આ ડુંગર ઉપર સૌરાષ્ટ્રનું પ્રસિધ્ધ યાત્રાધામ સ્વયં પ્રગટ થયેલા સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર સાથે ગૌશાળા અને રહેવા - જમવાની સુંદર વ્યવસ્થા ધરાવતા આ મંદિરે શ્રાવણ માસના બીજા સોમવારે સ્વયંભુશ્રી જડેશ્વરદાદાનો પ્રાગટય દિન હોય મંદિરેથી સવારે વરણાંગી (શોભાયાત્રા) મંદિર નીચે મેળા પરિષરમાં લોકમેળો યોજાતો પરંતુ કોરોના મહામારીના પગલે આ મેળો ત્રીજા વર્ષ પણ બંધ રાખવાની ફરજ પડી છે.

સ્વયંભુ શ્રી જડેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી રતીલાલજી મહારાજ તથા ટ્રસ્ટી શ્રીઓએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે કોરોના ની ત્રીજી લહેરના ભય તળે સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકમેળા બંધના સમાચારો મળે ત્યારે વાંકાનેર પાસે યોજાતો આ શ્રાવણ માસનો પ્રથમ મેળો પણ બંધ રાખવામાં આવ્યો છે. સાથો સાથ સરકારશ્રીની ગાઇડ લાઇનનું પાલન પણ જરૂરી હોય મંદિરમાં શ્રાવણ માસ દરમ્યાન યોજાતા ભંડારા, મહાપ્રસાદ પણ બંધ રાખવામાં આવેલ છે, સાધુ - બ્રાહ્મણો માટેના અને યાત્રીકો માટે ઉતારાની વ્યવસ્થા પણ આ વર્ષ બંધ રાખવામાં આવેલ છે.

નિજ મંદિરમાં પુજા અર્ચન માટે માત્ર ચાર - પાંચ લોકો જ ક્રમસર માત્ર દૂધ - જલ અને બીલીપત્ર ચઢાવી તુરત બહાર નિકળી જવાનું રહેશે જો આ વ્યવસ્થામાં સાથ સહકાર નહી મળે તો આ પુજા વીધી પણ બંધ કરવાની મંદિરના સંચાલકોને ફરજ પડશે.

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવના દર્શન સવારના પ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેશે તે પણ માસ્ક પહેરી દર્શનનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

શ્રાવણ માસ દરમ્યાન આવતા ઉત્સવો આ મંદિરે ઉજવાતા તે પણ રદ કરવામાં આવ્યા છે. પાર્સલ પેકીંગ પ્રસાદ ઘર ચાલુ રાખવામાં આવેલ છે. જેથી યાત્રીકોને પ્રસાદ  ઘર સુધી લઇ જવા અનુકુળ રહે તે માટે ઉપરોકત તમામ વ્યવસ્થામાં સાથ સહકાર આપવા મહંતશ્રી, લઘુમહંત શ્રી તથા ટ્રસ્ટીશ્રીઓ અનુરોધ કર્યો છે.

(11:45 am IST)