સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 5th August 2020

કચ્છ બન્યુ 'રામમય' : રંગોળી, દીવા સાથે કારસેવકોએ તાજા કર્યા જૂના સંભારણાં

૧૯૯૨માં અયોધ્યા ગયેલા કેશુભાઇ ઠાકરાણી સહિતના અનેક કારસેવકોએ વ્યકત કર્યો આનંદ

ભુજ,તા.૫: આજે ૫ ઓગષ્ટના જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા આયોધ્યા મધ્યે રામ મંદિરનો શિલાન્યાસ થઈ રહ્યો છે. ત્યારે કચ્છ પણ ભગવાન 'રામ'મય' બન્યું છે. ભુજ સહિત કચ્છના અનેક દેવમદિરોમાં રંગોળીઓ તેમ જ દીવડાઓ પ્રગટાવાયા છે.

તો, અનેક ઘરોમાં પણ રામનવમીની ઉજવણી જેવો અનેરો ઉત્સાહ વરતાઈ રહ્યો છે. આ પ્રસંગે કચ્છના સોશ્યલ મીડીયામાં પણ મંગલ સંદેશાઓ સાથે ઉત્સાહનો માહોલ વરતાઈ રહ્યો છે. જુના કાર સેવકોએ પોતાની જૂની યાદો તાજી કરી હતી.

જેમાં તેઓએ ૬ ડિસેમ્બર ૧૯૯૨ દરમ્યાન આયોધ્યા મધ્યે કારસેવામાં ભાગ લીધો હતો. કચ્છમાંથી ભાજપ, બજરંગદળ અને વિહિપ ના ૧૫૦ થી વધુ લોકો કારસેવામાં જોડાયા હતા.

જેમાં ભાજપના વરિષ્ઠ આગેવાનો તારાચંદ છેડા, પુષ્પદાન ગઢવી, સ્વર્ગસ્થ રસિકલાલ મેઘજી ઠકકર, નરેન્દ્રસિંહ જાડેજા, જેન્તી ભાનુશાલી સહિતના સામેલ હતા.

કારસેવામાં જોડાયેલા કેશુભાઈ ઠાકરાણીએ 'અકિલા' સાથે વાત કરતા જણાવ્યું હતું કે, જેમ સરદાર પટેલે ખંડિત સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ કર્યું તેમ નરેન્દ્રભાઈએ કુનેહપૂર્વક રામ લલ્લાનાં જન્મસ્થળે મંદિર નિર્માણના પ્રશ્નનું નિરાકરણ લાવી દીધું.

(11:43 am IST)