સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th July 2018

'માસી હવનમાં બેસવાનું છે' કહી ભોળવી ધોરાજીનાં વૃદ્ધા પાસેથી ૩ લાખના દાગીના લઈ ગયા ગઠીયા

અજાણ્યા ઉપર 'ભરોસો' કોક દિ' ભારે ન પડે તે જોજોઃ સાવચેતી જરૂરી : બે શખ્સોની મીઠી-મીઠી વાતોમાં આવી જઈ સોની મંજુલાબેન સેજપરાએ સોનાની ૪ બંગડી, પાંચ તોલાનો ચેન, વીંટી ગુમાવ્યા

ગઠીયાની મીઠી-મીઠી વાતોમાં ભોળવાઈ જઈ દાગીના ગુમાવનાર સોની વૃદ્ધા તસ્વીરમાં દર્શાય છે

ધોરાજી, તા. ૫ :. વર્તમાન સમયમાં કોઈને કોઈ વાતોમાં ભોળવી લોકોને છેતરવાના બનાવો વધી રહ્યા છે ત્યારે સૌ કોઈએ અજાણ્યા શખ્સો ઉપર આંધળો વિશ્વાસ મુકવો જોઈએ નહિં... એવાજ એક બનાવમાં ધોરાજી ખાતે બે ગઠીયાની મીઠી-મીઠી વાતોમાં ભોળવાઈ જઈ સોની વૃદ્ધાએ ત્રણ લાખના દાગીના ગુમાવ્યા છે.

વિગત મુજબ ધોરાજીના વઘાસીયા ચોરા વિસ્તારમાં શ્રી રાડીયા હનુમાન મંદિર પાસે રહેતા વિધવા સોની મંજુલાબેન મગનભાઈ સેજપરા (ઉ.વ.૭૫)ના ઘેર મંગળવારે બપોરે ૩.૩૦ વાગ્યાના સુમારે રીક્ષામાં બે ગઠીયાએ ઓચિંતા આવી 'માસી હવનમાં બેસવાનું છે' સોનાની બંગડીનો નમૂનો આપો એમ કહી મીઠી-મીઠી વાતો કરી ૬ તોલાની સોનાની ૪ બંગડી, પાંચ તોલાનો પેડલવાળો ચેન, ઓમવાળી સોનાની વીંટી મળી કુલ ૩ લાખથી વધારેની કિંમતના દાગીના લઈ છનન થઈ ગયા હતા.

આ અંગે છેતરાયેલા વૃદ્ધાએ હાંફળા-ફાંફળા થઈ સોની સમાજના અગ્રણીઓને જાણ કરતા આજુબાજુમાં શોધખોળ આદરી હતી પણ ગઠીયા હાથ લાગ્યા નહોતા. ફરીયાદ નોંધાવતા પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુન્હો નોંધી શોધખોળ આદરી હતી.

(11:38 am IST)