સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 5th July 2018

કાલાવડ પોસ્ટ ઓફીસ ત્રણ દિ'થી બંધ : ૧૦૪ ગામના લોકો હેરાન-પરેશાન

પોસ્ટ માસ્ટર રજા પર ઉતરી ગયા : કોમ્પ્યુટરનો પાસવર્ડ કોઇ પાસે ઉપલબ્ધ ન હોવાથી તે કામગીરી પણ બંધ : સ્થાનિક લોકોએ ઉચ્ચ કક્ષાએ કરેલી રજૂઆત પણ નિષ્ફળ નીવડી

કાલાવડ, તા. પ : કાલાવડની પોસ્ટ ઓફીસમાં છેલ્લા બે દિવસથી પોસ્ટ માસ્ટર રજા ઉપર ઉતરી જતા તેમની ગેરહાજરીમાં તમામ કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ થઇ જતાં કાલાવડના ૧૦૪ ગામના લોકો ભારે હેરાન-પરેશાન થઇ ગયા છે, જયારે સતત ત્રણ દિવસથી પોસ્ટ ઓફીસમાં કોઇ પ્રકારની કામગીરી હાથ ધરવામાં નહીં આવતા લોકો પોસ્ટ ઓફીસની બહાર તેમનો આક્રોશ વ્યકત કરી રહ્યા છે. આ અંગે પોસ્ટના ઉચ્ચ અધિકારીઓને ફરીયાદ કરી હોવા છતાં પણ કોઇ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવી હોવાનું તેમજ કોમ્પ્યુટરના પાસવર્ડ કોઇ કર્મચારી પાસે ન હોવાથી આ કામગીરી પણ ઠપ્પ થઇ જવા પામી છે.

કાલાવડ પોસ્ટ ઓફીસમાં છેલ્લા ઘણા સમયથી મેનેજમેન્ટને લાપરવાહીના પરિણામે અનેક પ્રશ્નો ઉપસ્થિત થવા પામે છે અને તેની અસર કાલાવડ તાલુકાના ૧૦૪ ગામના લોકોને થવા પામે છે. પોસ્ટ ઓફીસ સંપૂર્ણ રીતે કાર્યરત ન હોવાથી લોકોને ટપાલ સહિતની સુવિધા પ્રાપ્ત થતી ન હોય, જેથી કાલાવડ આગેવાનો દ્વારા પોસ્ટ ઓફીસના પ્રશ્ને પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ અંગે મૌખિક રજુઆતો કરી આ પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગણી કરી હતી, તેમ છતાં ઉચ્ચ અધિકારી દ્વારા કાલાવડ પોસ્ટ ઓફીસનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવતા કાલાવડના લોકોનો અણઉકેલ પ્રશ્ન યથાવત રહેવા પામ્યો છે.

દરમ્યાન કાલાવડ પોસ્ટ ઓફીસના પોસ્ટ માસ્તર બે દિવસ પહેલા એક દિવસની રજા પર ઉતરી ગયા પછી તેઓ દ્વારા ૧૦ દિવસની મેડીકલ લીવ મૂકી દેવામાં આવી છે.

આ પ્રશ્ન નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં આંદોલન આરંભવાની તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જાણવા માળે છે.

(11:36 am IST)