સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

ભરવાડ સમાજની ૮૭ કન્યાઓને કુંવરબાઇનું મામેરૂ તથા સાત ફેરા સમુહલગ્નની યોજના અંતર્ગત ચેક વિતરણ કરાયા

જામનગર : જામનગર પંચકોશી સમસ્ત ભરવાડ સમાજ આયોજીત ગોપાલક- માલધારી સમુહલગ્ન સમિતિ દ્વારા યોજાયેલ ભરવાડ સમાજની ૮૭ કન્યાઓનો અગિયારમો સમુહ લગ્નોત્સવ યોજાઇ ગયો. આ સમુહલગ્નની સમસ્ત ભરવાડ સમાજ અને અન્ય સમાજમાં સારી છાપ પડી. રાજય સરકાર દ્વારા સમુહલગ્નમાં જોડાયેલ કન્યાઓને કુંવરબાઇનું મામેરૂ તથા સાત ફેરા સમુહલગ્નની યોજના અન્વયે પ્રત્યેક કન્યાને રૂ.૨૦૦૦૦ તથા જામનગર ગોપાલક-માલધારી સમુહલગ્ન સમિતિને રૂ.૫૦૦૦૦ તેમજ એક દિવ્યાંગ યુગલને રૂ.૧ લાખ ૧૦ હજારની સહાયના ચેક મંત્રીશ્રી વાસણભાઇ આહિર તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સરમત ગામ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આપવામાં આવ્યા હતા. મંત્રીશ્રી વાસણભાઇ આહિરે દિપપ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરી પોતાના વકતવ્યમાં જણાવ્યુ હતુ કે, હાલમાં રાજય સરકાર દ્વારા દરેક સમાજ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. દરેક સમાજને આગળ લાવવા સરકાર હંમેશા તત્પર છે અને દરેક સમાજના લોકો શિક્ષિત બને તે માટે રાજય સરકાર ચિંતિત છે. હાલમાં જ ભરવાડ સમાજમાંથી ઘણાં લોકો વિવિધ વિભાગોમાં ઉચ્ચ હોદા ઉપર નોકરી મેળવવામાં સફળ થયા છે જે એક ગૌરવ લેવા જેવી બાબત કહેવાય. સમાજના લોકો શિક્ષિત હશે તો પરિવાર પણ સુખી થશે. પોલીસ વિભાગમાં નવનિયુકત પામેલ અને આ સંમેલનમાં પોતાની ફરજ પર આવેલ માલધારી સમાજની દિકરીનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ.  આ કાર્યક્રમમાં ગ્રામ ગૃહ બોર્ડ નિર્માણના ચેરમેનશ્રી મુળુભાઇ બેરા, જાડાના પૂર્વ ચેરમેનશ્રી દિલિપસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, ધારાસભ્યશ્રી વલ્લભભાઇ ધારવીયા, ભરવાડ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.(૨૧.૨૨)

(12:41 pm IST)