સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

કચ્છના મુંદ્રાના બેરાજામાં એરફોર્સનું પ્લેન ક્રેશ : પાયલટ એર કોમોડોર સંજય ચૌહાણનું મોત

પાયલોટના મૃતદેહના અવશેષોની શોધખોળઃ ફાઈટર પ્લેનના ટુકડેટુકડા થઈ ગયાઃ આસપાસની જમીન ઉપરનું ઘાસ બળી ગયું

 ભૂજ, તા. ૫ :. કચ્છમાં એરફોર્સનું વિમાન તૂટી પડતા દોડધામ થઈ ગઈ હતી. એરફોર્સનું વિમાન તૂટી પડતા પાયલોટનું મોત થયુ હતું. જ્યારે આ વિમાન ગાયોના ધણ ઉપર પડતા ૧૪ જેટલી ગાયોના મોત નિપજયા હતા. જ્યારે ૧૦થી ૧૨ ગાયોને ઈજા થઈ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ આજે જામનગરથી ઉડાન ભરીને જામનગર એરફોર્સનું જગુઆર ફાયટર પ્લેનમાં યાંત્રિક ખામી સર્જાતા દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ અને મુંદરા તાલુકાના બેરાજાગામની સીમમાં તૂટી પડયુ હતુ. જેમાં પાઈલોટ સંજય ચૌહાણનું મોત નિપજ્યુ હતું. જ્યારે ગૌચરની જમીન ઉપર ઘાસચારો ચરી રહેલા ગાયોનુ ધણ (ટોળુ) ઉપર પડતા ૧૪ જેટલી ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. જ્યારે ૧૦ થી ૧૨ ગાયોને ઈજા થતા પશુપાલન ટીમ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

પ્લેનના ટુકડે ટુકડા થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા કચ્છ અને જામનગર એરફોર્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કાર્ય હાથ ધર્યુ હતું.

આ બનાવની જાણ થતા કચ્છના કલેકટર રેમ્યા મોહને તાત્કાલીક બચાવ કાર્ય માટે ટીમને ઘટના સ્થળે મોકલી હતી. આ બનાવની જાણ થતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાય ગયો હતો.(૨-૨૭)

(3:27 pm IST)