સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

સોૈરાષ્ટ્ર-કચ્છમાં વાદળાનું પ્રમાણ વધ્યું: ભારે બફારો

મહત્તમ તાપમાનનો પારો નીચેઃ ગરમી ઘટી

પ્રથમ અને બીજી તસ્વીરમાં કોટડાસાંગાણી પંથકમાં ગઇકાલે સાંજે વરસાદની તસ્વીર તથા ત્રીજી તસ્વીરમાં ગોંડલમાં ગઇકાલે સાંજે સંધ્યા ખીલી હતી તે નજરે પડે છે (તસ્વીરઃકલ્પેશ જાદવ (કોટડાસાંગાણી) ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ તા.૫: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસાના આગમનના એંધાણ વર્તાઇ રહયા છે. અને લોકોને આકરા તાપથી  રાહત મળી છે જો કે બફારો યથાવત રહેતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી મહત્તમ તાપમાનનો પારો ૪૧ ડિગ્રી નજીક જ રહેતા ગરમીથી રાહત મળી છે પરંતુ બફારો યથાવત છે.

ગઇકાલે કોટડાસાંગાણી પંથકમાં કરા સાથે વરસાદ પડયો હતો.

જોકે આજે સવારથી રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળછાયું વાતાવરણ છવાઇ ગયું છે. અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

છેેલ્લા ૩ દિવસથી ગરમીમાં સામાન્ય રાહત રહેવા સાથે હજી પણ રાજકોટ, સુરેન્દ્રનગર,ભુજ,અમરેલી, ભાવનગર સહિતના સ્થળોએ મહતમ તાપમાન ૪૦ થી ૪૨ ડીગ્રી વચ્ચે જળવાઇ રહ્યુ છે પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ અતિશય વધી ગયુ હતું અને બપોર બાદ રાજકોટ જિલ્લાના કોટડાસાગાણી, ભાડલા,રાજપરા અમરેલીના ધારી સહિતના પંથકમાં એકાએક વાતાવરણમાં બદલાવ આવવા સાથે તોફાની પવન અને કરા સાથે જોરદાર વરસાદના ઝાપટા વરસી ગયા હતા. તેને કારણે ઘણા દિવસોથી અસહ્ય બફારો અને ગરમીથી ત્રાહીમામ જનતાને થોડા સમયે માટે ઠંડકનો અહેસાસ થયો હતો પરંતુ વાતાવરણ ખુલ્લુ થતા જ ફરી બફારાથી છુટકારો મેળવવા લોકો આકુળ-વ્યાકુળ જોવા મળતા હતા.

રાજકોટ

રાજકોટમાં બે મહિના કરતા વધુ સમયથી ૪૦ થી વધુ ડીગ્રી તાપમાને ગરમીનું આક્રમણ સતત જળવાઇ રહ્યુ છે જો કે છેલ્લા ત્રણ દિવસથી ક્રમશઃ ન્યુનતમ તાપમાન નીચે ઉતરતા ગરમીમાં લોકોને મામુલી રાહત મળી રહી છે પરંતુ બફારો શહેરીજનોને દિવસ-રાત ઝંપવા દેતો નથી તેવામાં આજે વ્હેલી સવારે આકાશ ઘટાટોપ વાદળો ઘેરાઇ ગયુ અને મોડી સુધી આ પ્રકારનો માહોલ બન્યા બાદ સુર્યનારાયણે દર્શન દીધા હતા પરંતુ દિવસભર આકાશમાં વાદળોની હડીયાપટી સિવાય વરસાદી ઝાપટા વરસ્યા નહતા પરંતુ સાંજે સુદર સંધ્યા ખીલી હતી. શહેરનું ન્યુનતમ તાપમાન ૨૮.૩ ડિગ્રી નોંધાયુ જયારે મહતમ તાપમાન ગઇકાલ કરતા ૧ ડીગ્રી જેટલું ઉંચાઇ ૪૧.૭ ડીગ્રી નોંધાતા શહેરીજનો ગરમી અને બફારાથી ત્રાહીમામ જોવા મળતા હતા. જો કે બફારો એટલો વધી ગયો હતો કે એસી જેવા સાધનો પણ લોકોને ઠંડક આપવા નિષ્ફળ ગયા હતા. હવે કુદરત ઝડપથી મેઘ રૂપે મહેર વરસાવે તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.

પોરબંદર

પોરબંદરઃ મહતમ તાપમાન ૩૫.૩ ડિગ્રી, ભેજ ૭૬ ટકા નોંધાયો છે.

(11:41 am IST)