સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

ગઢકાના ભાવેશ બાબરે પટેલ વૃધ્ધાને 'ડોસી શું સામુ જોવે છે?' કહી દાતરડુ બતાવી ધમકાવ્યા

૧૬મીના આ બનાવ પછી ૨૦મીએ પટેલ વૃધ્ધાની બે ભેંસ ચોરાઇ ગઇઃ આ ચોરીમાં પણ ભાવેશની સંડોવણી હોવાની શંકાઃ બે ગુના નોંધાયાઃ અગાઉ આ શખ્સ વિરૂધ્ધ ગામલોકોએ રજૂઆત કરી'તી

રાજકોટ તા. ૫: સરધારના ગઢકા ગામે રહેતાં ભાવેશ કેશુભાઇ મકવાણા નામના બાબર શખ્સ વિરૂધ્ધ થોડા દિવસ પહેલા ગ્રામજનોએ તેના ત્રાસ અંગે પોલીસ કમિશ્નરને રજૂઆત કરી હતી. આ શખ્સે વીસેક દિવસ પહેલા પટેલ વૃધ્ધાને 'ડોસી શું સામુ જોવે છે?' કહી દાતરડુ બતાવી ધમકાવ્યા હતાં તેમજ એ બનાવ પછી તેમની બે ભેંસો ચોરાઇ ગઇ હતી. આ બનાવમાં પોલીસે બે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

આજીડેમ પોલીસે ગઢકાના રાજેશભાઇ ગાંડુભાઇ આટકોટીયા (પટેલ) (ઉ.૪૬)ની ફરિયાદ પરથી ભાવેશ કેશુભાઇ મકવાણા (બાબર) સામે આઇપીસી ૪૫૨, ૫૦૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. રાજેશભાઇના કહેવા મુજબ ૧૬/૫ના સાંજે પાંચેક વાગ્યે તેમના માતા ઘરની ડેલીએ બેઠા હતાં ત્યારે ભાવેશે 'ડોસી શું સામુ જોવે છે?' તેમ કહેતાં વૃધ્ધાએ પોતે કંઇ સામુ જોતા નથી તેમ કહી ઘરમાં જતાં રહેતાં આ શખ્સ દાતરડુ લઇ ઘરમાં ઘુસી ગયો હતો અને ગાળો દઇ ધમકી આપી હતી. આ મામલે જે તે વખતે તેના વિરૂધ્ધ અરજી કરાઇ હતી. તે અંગે હવે ગુનો દાખલ થયો છે.

એ પછી ૨૦/૫ના રોજ રાજેશભાઇની વાડીમાંથી રૂ. ૧ાા લાખની બે ભેંસ ચોરાઇ ગઇ હતી. આ મામલે પણ પોલીસને જાણ કરી હતી. આ અંગે પણ અલગથી ગુનો નોંધાયો છે. રાજેશભાઇએ પોલીસ સમક્ષ એવી શંકા દર્શાવી છે કે ભેંસ ચોરીમાં પણ કદાચ ભાવેશની સંડોવણી હશે. આજીડેમના તપાસનીશ એફ.આર. રાઠવા અને જયેન્દ્રભાઇ દવેએ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)

(11:40 am IST)