સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

ભદ્રેશ મહેતા કૌભાંડઃ કચ્છની અઢી એકર જમીન ઉપર ૩૧ કરોડની, એક જ ગામની ૨૩ જમીન ઉપર ૭૫૦ કરોડની લોન

આરબીએલ, દેના બેન્ક, કોર્પોરેશન બેન્કે રેલડી (ભૂજ)ની જમીન ઉપર અંધાધુંધ લોન લૂંટાવી, એક જ જમીન ઉપર બે બેન્કની લોન

ભૂજ, તા. ૫ :. ભદ્રેશ મહેતાના લોન કૌભાંડને એટીએસ અને સીઆઈડી ક્રાઈમે ખુલ્લુ પાડયા બાદ કચ્છમાં તેણે આચરેલા બેન્ક કૌભાંડની સનસનીખેજ વિગતો ખુલ્લી રહી છે. ભૂજની રેલડી ગામની જમીનના ૭/૧૨ના ઉતારામાં ખેતીની જમીન ઉપર બેન્કોનો બોલતો બોજો એ દર્શાવે છે કે બેન્કોએ ભદ્રેશ મહેતાને અંધાધૂંધ રૂપિયા લૂંટાવી દીધા છે.

ભૂજથી ૧૫ કિલોમીટર દૂર આવેલા નાની રેલડી ગામની ખેતીની અલગ અલગ ૨૩ જમીનો ઉપરનો લોનનો આંકડો સાડા સાત અબજને પાર કરીને ૭૫૫ કરોડ ૮૫ લાખ રૂપિયાએ પહોંચે છે. આ આંકડાઓ ભૂજ મામલતદાર કચેરીના ૭/૧૨માં બેન્કોના ધિરાણના બોજાને દર્શાવતા સત્તાવાર આંકડાઓ છે. સામાન્ય માણસને લોન આપવામાં અખાડા કરતી બેન્કોએ માત્ર અઢી એકર જમીન ઉપર ભદ્રેશને ૩૧ કરોડની લોન આપી છે.

આરબીએલ અમદાવાદની શાખાએ આ લોન આપી છે પણ તેમણે પુરા કાગળો ચકાસ્યા નથી કારણ કે આ જ જમીન ઉપર ભૂજની કોર્પોરેશન બેન્કે ૨૨ લાખની લોન આપી છે. લોન આપનાર બેન્કોમાં દેના બેન્ક ઓવરસીઝ (મુંબઈ), આરબીએલ (અમદાવાદ) અને કોર્પોરેશન બેન્ક (ભૂજ) છે.

જો કે ભદ્રેશ મહેતાએ ભૂજ અને અબડાસામાં ખેતીની અન્ય જમીનો ઉપર લીધેલી લોનનો આંક કરોડોને વટાવીને અબજની સંખ્યામાં પહોંચે છે. પ્રશ્ન એ છે કે, બેન્કોએ લોન કઈ રીતે આપી ? વેલ્યુઅરે જમીનની કિંંમત કઈ રીતે આટલી ઉંચી નક્કી કરી ?

(11:39 am IST)