સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

સુત્રાપાડા તાબાના કદાવરગામથી હિરાકોટ બંદરનું કામ ચોમાસા પહેલા પૂર્ણ કરોઃ આંદોલન

પ્રભાસપાટણ, તા.પઃ સુત્રાપાડા તાલુકાનાં કદવાર ગામની હિરાકોટ બંદરનું રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે. આ રોડ ૪પ લાખનાં ખર્ચે મંજુર થયેલ છે અને રસ્તાની કામગીરી પરિશ્રમ બિલ્ડર્સ દ્વારા કરવામાં આવી રહેલ છે. આ રસ્તો શરૂ કરી અને બે વખત બંધ કરવામાં આવેલ છે.

બે દિવસ પહેલા ધારાસભ્ય ભગવાનભાઇ બારડ અને આગેવાનોની હાજરીમાં રોડ શરૂ કરેલ અને ૪૦૦ મીટરનું મેટલીંગનું કામ કરી અને ફરીથી રસ્તાની કામગીરી બંધ થયેલ છે. આ રસ્તો ચોમાસા પહેલા બનાવવો ખુબ જ જરૂરી છે બાકી હિરાકોટ બંદરના લોકો મોટી મુશ્કેલીમાં મુકાવાનાં છે અને બંદરની બહાર નીકળવું મુશ્કેલ બનશે.

આ રસ્તો ફરીથી ચોમાસા પહેલા પૂરો થાય તે માટેના તાજેતરમાં પ૦ થી ૬૦ લોકો માર્ગ અને મકાનનાં ઇજનેરની વિરૂધ્ધમાં વેરાવળનાં ઇણાજ ગામે આવેલ કલેકટર કચેરીઓ ભૂખ હડતાલમાં બેઠેલા છે. જેમાં હિરાકોટ બંદરનાં પટેલ હરજીભાઇ, સુત્રાપાડા તા.પ.નાં સભ્ય ભગાભાઇ ખૂંટ, ગ્રા.પંનાં સભ્ય વીરજીભાઇ અને ફકીરભાઇ  મચ્છીયારા સમાજનાં પટેલ અયુબભાઇ અને અન્ય લોકો કલેકટર કચેરીએ ભૂખ હડતાલમાં બેઠેલા છે અને આ પ્રશ્રનો નિકાલ ન આવે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે.

(11:34 am IST)