સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

છાંયા નગરપાલિકા દ્વારા ગરીબ લોકોના રહેણાંક મકાનોને તોડી પાડવાના નિર્ણય સામે ચેતવણી

નોટીશો પાછી નહીં ખેચાય તો આંદોલન

પોરબંદર તા.૫: છાંયા શહેરમાં મહેર સમાજ અને સ્વામીનારાયણ ગુરૂકુળ પાછળના વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ઘણા વર્ષોથી પાકા મકાનો બાંધીને છેલ્લા ૨૦-૨૫ વર્ષથી પોતાના પરિવારો સાથે વસવાટ કરે છે. આ પરિવારો છાંયા નગરપાલિકામાં તમામ પ્રકારના વેરા નિયમિત રીતે ભરે છે. આ તમામને જી.ઇ.બી.ના વિજ મીટરો પણ આપવામાં આવેલ છે. આમ છતાં આ તમામ પરિવારોના મકાનો તોડી પાડવા માટે છાંયા નગરપાલિકા અને સીટી સર્વે દ્વારા નોટીસો આપવામાં આવે છે.

છાંયા નગરપાલિકા અને સીટી સર્વે દ્વારા સ્વામીનારાયણ સ્કૂલ અને મહેર સમાજના પાછળના વિસ્તારોમાં રહેતા ૧૦૦ જેટલા ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવા નોટીસ આપી છે તેની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પુર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાએ વિરોધ વ્યકત કરતાં જણાવ્યું હતું કે એક તરફ સરકાર ઉદ્યોગપતિઓને પાણીના ભાવે સરકારી જમીનોની ફાળવણી કરે છે અને બીજી તરફ ગરીબ લોકો ૧૦૦-૨૦૦ વાર જમીનમાં પોતાના પરિવાર માટે મકાન બાંધીને રહે છે તેના મકાન ભાજપ સાશિત નગરપાલિકા તોડી પાડવાના નિર્ણય કરી ગરીબ વિરોધી હોવાની સાબિતી આપે છે.

છાંયા વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મકાનો નહી પાડવા અર્જુનભાઇ મોઢવાડીયાએ ભાજપ સરકાર અને ભાજપ નગરપાલિકાને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે સરકાર અને નગરપાલિકાઆ મકાનો પાડવાની કોશીશ કરશે તો જનતાને સાથે રાખીને સરકારની સામે આંદોલન કરવાની ફરજ પડશે. આ આંદોલનની આગેવાની ગુજરાત કોંગ્રેસના પુવ૪ પ્રમુખશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા લેશે અને કોઇપણ સંજોગોમાં લોકોને ઘર વિહોણાં કરવાના ભાજપના પ્રયાસોને સફળ થવા દેવાશે નહી.

(11:25 am IST)