સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th June 2018

ગોંડલ સરકારી હોસ્પિટલમાં તબીબોના અભાવે દર્દીઓનો હંગામો

ગોંડલ, તા. પ : અત્રેની સીવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો લાગી હતી, તો કેટલીક પ્રસુતાઓ ઇમરજન્સી સારવારના અભાવે લોબીમાં આળોટી પીડા ભોગવી રહી હતી, ઓપીડી વિભાગમાં બે તબીબોની જગ્યાએ માત્ર એકજ તબીબ હાજર હોય અને દર્દીઓની કતાર જામી હોય સાથો સાથ ઇમરજન્સી પણ હોય માત્ર એક તબીબની પરિસ્થિતિ કાબુમાં ના રહેતા અફડાતફડી મચી જવા પામી હતી અને દર્દીઓએ ઇમરજન્સીમાં ઘુસી જઇ હંગામો મચાવી મૂકયો હતો.

હોસ્પિટલના અધિક્ષક ડો. વાણવી રજા ઉપર હોય 'રેઢા પડ' સમી હોસ્પિટલમાં પીડીત દર્દીઓની વેદના કોઇ સાંભળનાર ન હોય રોષ ફેાલયો હતો. દરમ્યાન શિવમ ગ્રુપના દિનેશભાઇ માધડ દર્દીઓની વ્હારે દોડી જઇ અન્ય તબીબ ડો. સિંહાને તેમના નિવાસ સ્થાનેથી બોલાવી ઓપીડીમાં વ્યવસ્થા માટે રજુઆત કરતા ફરજ પૂરી થઇ હોવા છતાં ડો. સિંહાએ દર્દીઓને તપાસવાનું શરૂ કરતા પરિસ્થિતિ કંઇક અંશે થાળે પડી હતી. હાલ ઓપીડીમાં ફરજ બજાવતા તબીબ પણ ડેપ્યુટેશન ઉપર મૂકાયા છે.

ઓગણીસ તબીબોનું સેટઅપ ધરાવતી હોસ્પિટલ માત્ર એક તબીબ દ્વારા ચાલી રહી હોય દર્દીઓ પેરશાની ભોગવી રહ્યા છે. ચોર્યાસી ગામડા અને દોઢ લાખની વસ્તી ધરાવતી ગોંડલ શહેરમાં સરકારી હોસ્પિટલ ખાસ કરીને ગરીબ અને મધયમવર્ગી દર્દીઓ માટે આશિર્વાદરૂપ ગણાય, પરંતુ તબીબોના અભાવે ખુદ હોસ્પિટલ માંદગીના ખાટલે હોય અને પ્રાઇવેટ તબીબી સેવા મોંઘીદાટ હોય દર્દીઓની હાલત કફોડી બનવા પામી છે ત્યારે નેતાગીરીમાં મજબુત કહેવાતું ગોંડલ હોસ્પિટલના મુદે નબળાઇ દાખવી રહ્યાનું સુજ્ઞ નગરજનો કરી રહ્યા છે.

(11:23 am IST)