સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 4th May 2021

કેશોદના સમાજશ્રેષ્ઠીઓએ કોરોનાના કપરા સમયમાં ૫૫ લાખના લોકફાળાથી કોવિડ હોસ્પિટલ બનાવી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા.૪: કેશોદમાં ગત માર્ચ મહિનામાં એક પરિવારના ૭ સભ્યો અને બીજો એક આખો પરિવાર કોરોના પોઝીટીવ થયા. આ બન્ને પરિવાર કોરોનામાં હેમખેમ સાજા સારા થયા. આ પરિવારને સ્વસ્થ થવામાં મુશ્કેલી પડી. કોરોનામાં સ્વસ્થ થવામાં પડેલી મુશ્કેલીએ કેશોદમાં સૌને ઉપયોગી થવા કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું વિચાર બીજ રોપ્યું.

કેશોદમાં સર્વ સમાજના આગેવાનોની બેઠક બોલાવી. સૌ એ કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનાં વિચારને વધાવ્યો. સ્થળ પર જ રૂ. ૨૦ લાખ ફાળો થઇ ગયો. આજે આ ફાળો રૂ. ૫૫ લાખ થયો છે. ફાળો આપનાર નામી અનામી દાતાઓને અભિનંદન છે. જેમણે કોરોનાના કપરા સમયમાં નાગરિક સેવા ધર્મ બજાવ્યો છે. અને પુરવાર કર્યેું છે સારા વિચારને સમાજ હંમેશા સપોર્ટ કરે છે.

કોવિડ સેન્ટરના સ્થળ માટે જી.ડી. વાછાણી કન્યા વિધાલયન છાત્રાલયનું બીલ્ડીંગ અપાયું.૧૦૦ બેડના આ કોવિડ સેન્ટરમાં ઓકિસજનના ૧૦૦ બાટલા રૂ ૧૨.૫૦ લાખના લાવ્યા. બીજા ૧૦૦ બોટલ રૂ. ૧૭.૫૦ લાખના લાવ્યા. કોવિડ કેર સેન્ટર ઉપરાંત જરૂરિયાતવાળા કોવિડ પેશન્ટને આ બાટલા ફ્રીમાં અપાયા. કોવિડ સેન્ટરમાં દવા, નિદાન, સારવાર, ઓકિસજન તમામ ફ્રી વ્યવસ્થા માટે પ્રથમ કાર્યકરોની ટીમ બનાવી. ભોજન, પાર્કીંગ, હેલ્પડેસ્ક, સહિતની સમિતીઓ બનાવી. ૪-૪ કાર્યકરોની દર્દીઓ અને દવાખાના વચ્ચે સંકલન માટે ટુકડીઓ બનાવી. જે શીફટ ૨૪ કલાક કાર્યરત રહે. સેવારત આ કાર્યકરોની સેવા પણ એટલી જ અગત્યની છે.

સરકારી મેડીકલ ઓફિસર, નર્સ ઉપરાંત ખાનગી ડોકટરોએ દર્દીઓની સારવારની જવાબદારી ઉપાડી. આજે સ્થિતિ એ છે કે, ૧૦૬ દર્દીઓ દાખલ થયા જે પૈકી ૫૬ દર્દી સ્વસ્થ થયા ૩૪ દાખલ છે. ૧૨ દર્દી રીફર કરાયા છે. સામાન્ય રીતે ઓકિસજનની જરૂરિયાતવાળા દર્દીઓને ખાનગી દવાખાને દાખલ કરવામાં આવે તો દરરોજ પાંચ થી પંદર હજાર ખર્ચ થાય આવે છે. જયારે આ કોવીડ સેન્ટરમાં દવા ડોકટર નો ખર્ચ ભોજન તમામ સેવાઓ ફ્રીમાં આપવામાં આવે છે. રૂપિયા ૫૫ લાખના સમાજ શ્રેષ્ઠીઓ ના ફાળા સાથે આ સેન્ટરથી લોકોના લાખો રૂપિયા બચશે.

કેશોદના જેન્તીભાઈ મકવાણા કોવીડ સેન્ટરની ત્રણ દિવસની સારવારથી સ્વસ્થ થયા છે. તેમના જણાવ્યા મુજબ સમાજ શ્રેષ્ઠીઓ ની સેવા કેશોદ અને આસપાસના ગામડાના લોકો માટે ખૂબ ઉપયોગી પુરવાર થઇ છે. કોવીડ સેન્ટરના વિચારબીજ ને રોપનાર અને કોરોના મુકત થનાર પરિવાર શ્રી જયેશભાઈ લાડાણી અને ભરતભાઈ વડાલીયા ના પ્રયાસોને કેશોદના લોકોએ નાગરિક સેવા ધર્મ તરીકે સ્વીકાર્યો એનો દરેક જગ્યાએ અમલ થાય તો કોરોનાને આસાનીથી હરાવવામાં ખૂબ સરળતા રહેશે.

(12:55 pm IST)