સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

ઐતિહાસિક સ્મૃતિ -સ્થળોને 'મેઘાણી -સર્કીટ'માં સાંકળીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલા વિવિધ.. : આ અંગેની જોગવાઇ અને જાહેરાત ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજ -પત્ર (બજેટ)માં કરવામાં આવી છે : ગુજરાત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઇ મેઘાણી

(૧) રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી  (૨) જન્મભૂમિ ચોટીલા  (૩) કર્મ-નિર્વાણભૂમિ બોટાદ (૪) શૌર્યભૂમિ ધંધુકા  (૫) બાલ્યાવસ્થાની લીલાભૂમિ રાજકોટ  (૬) 'સિંધુડો'ના શૌર્યગીતોથી લોકજુવાળ જગાવતા ઝવેરચંદ મેઘાણી

રાજકોટ,તા. ૫: મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષની ગુજરાત સરકાર દ્વારા રાજયકક્ષાની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મૃતિ-સ્થળોને મેઘાણી-સર્કીટમાં સાંકળીને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે તેવી જોગવાઈ અને જાહેરાત ગુજરાત સરકારના વર્ષ ૨૦૨૧-૨૨ના અંદાજ-પત્ર (બજેટ)માં કરવામાં આવી છે.

ભારતના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી – નાણા મંત્રી નીતિનભાઈ પટેલ તેમજ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતીની ઉજવણી માટે રાજયકક્ષાની સમિતિના અધ્યક્ષ : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉપાધ્યક્ષ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓના રાજય મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને મહિલા, બાળ કલ્યાણના રાજય મંત્રી વિભાવરીબેન દવે, પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા તથા પદાધિકારીઓ-અધિકારીઓનોનો ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીએ હ્રદયથી આભાર માન્યો છે.

ચોટીલા (જન્મભૂમિ)

પોતાને પહાડનું બાળક તરીકે ઓળખાવનાર ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬ (શ્રાવણ વદ પાંચમઃ નાગ પંચમી)ના દિવસે ચોટીલાના એ વેળાના ગામને છેવાડે આવેલા અને અઘોરવાસ લેખાતા પોલીસ-બેડાના કવાર્ટરમાં થયેલો. બ્રિટીશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતા પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી નીડર અને નેક વ્યકિત હતા. પોલીસ-પરિવાર અને પોલીસ-બેડા સાથે ઝવેરચંદ મેઘાણીનાં બાળપણનાં અનેક સંસ્મરણો તથા સ્મૃતિઓ જોડાયેલ છે. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકનું ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીનાં જન્મસ્થળનું ઐતિહાસિક મકાન સરકારી તાલુકા ગ્રંથાલયની સામે આવેલું છે. આ મકાનમાં ૨ ખંડ અને પાછળ નાનું ફળીયું છે. ભારતના પ્રધાન મંત્રી તથા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત ૨૦૧૦માં ૧૧૪મી મેઘાણી-જયંતીના અવસરે રોજ સહુ પ્રથમ વખત જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લુ મૂકાયુ હતુ. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીએ, સ્વ-ખર્ચે, ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવનને નિરૂપતું રસપ્રદ અને માહિતીસભર પ્રદર્શન, મેઘાણી-તકતી, મેઘાણી-સાહિત્ય કોર્નરની અહિ સ્થાપના કરી છે. જન્મસ્થળનાં આ ઐતિહાસિક મકાન તથા આજુબાજુમાં આવેલ અન્ય ઐતિહાસિક મકાનો, ઈમારતો, જગ્યાઓને એક સંકુલમાં સાંકળીને ભવ્ય જન્મસ્થળ સ્મારક-સંકુલ તરીકે વિકસાવવામાં આવે અને આ સંકુલમાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું અઘતન દેશ્ય–શ્રાવ્ય–મલ્ટીમિડિયા પ્રદર્શન ઉપરાંત ગ્રંથાલય અને વાચન-કક્ષ, આઙ્ખડીટોરિયમ, ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તેવી લોકલાગણી છે. ચાંમુડા માતાજીનાં તીર્થધામ તરીકે ચોટીલા જગપ્રસિધ્ધ છે. ચોટીલા સાંસ્કૃતિક-તીર્થ તરીકે પણ વિશ્વભરમાં ખ્યાતિ પામશે તેવી શ્રધ્ધા છે.

બોટાદ (કર્મ-નિર્વાણભૂમિ)

ઝવેરચંદ મેઘાણીનું નિધન ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદ ખાતે  સાળંગપુર રોડ – નવનિર્મિત રેલ્વે અંડરપાસ પાસે આવેલ તેમના નિવાસસ્થાને થયેલું. આ નિવાસસ્થાન તેમણે ૧૯૩૩માં બંધાવેલું. બોટાદ સાથે તેમના જીવનની અનેક મહત્ત્વની ઘટનાઓ ને સ્મૃતિઓ સંકળાયેલી છે. અનેક તેમનાં લોકપ્રિય પુસ્તકો અહીં લખાયાં. રાણપુર-સ્થિત સાપ્તાહિક અખબાર ફૂલછાબના તંત્રી તરીકે કામગીરી બજાવતા ઝવેરચંદ મેઘાણી રહેઠાણ બોટાદ અને કાર્યસ્થળ રાણપુર વચ્ચે ટ્રેન દ્વારા આવ-જા કરતા. ઝવેરચંદ મેઘાણીના અવસાન પછી પરિવારની વિકટ આર્થિક પરિસ્થિતિને લીધે, દુર્ભાગ્યવશ, એમનું ઐતિહાસિક નિવાસસ્થાન વેચાઈ ગયું હતું. હાલ અન્યની ખાનગી માલિકીનું અને બંધ હાલતમાં છે. ઝવેરચંદ મેઘાણી જયાં જીવનનો છેલ્લો દશકો રહ્યા અને અંતિમ શ્વાસ લીધા તેવું આજે પણ અડીખમ ઊભેલું આ ઐતિહાસિક નિવાસસ્થાન ગુજરાત સરકાર દ્વારા ભવ્ય સ્મારક તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે.

ધંધુકા (શૌર્યભૂમિ)

નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે : ખબર છે આટલી કે માતની હાકલ પડી છે. અંગ્રેજ સરકાર સામેના આઝાદીના જંગ વેળાએ રાજદ્રોહના ખોટા આરોપસર ઝવેરચંદ મેઘાણીની ધરપકડ કરીને ૨૮ એપ્રિલ ૧૯૩૦ના૦ રોજ તેમને ધંધુકાની વિશેષ અદાલતમાં રજૂ કરાયા. મેજિસ્ટ્રેટ ઇસાણીની અનુમતિ મેળવીને ૧૫ શૌર્યગીતોના પોતાના સંગ્રહ સિંધુડોમાંનું દર્દભર્યું ગીત હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ (છેલ્લી પ્રાર્થના) ઝવેરચંદ મેઘાણીએ ધીરગંભીર અવાજે ગાયું ત્યારે ઉપસ્થિત માનવમેદની તથા મેજિસ્ટ્રેટ ઈસાણી સમેત સહુની આંખો આંસુભીની થઈ. ઝવેરચંદ મેઘાણીને ૨ વર્ષની કેદની સજા ફરમાવાઈ અને સાબરમતી જેલમાં એમને રખાયા. તે વખતની સ્વાતંત્ર્ય-સંગ્રામની લડત પર આ પ્રસંગનો ખાસ્સો પ્રભાવ પડ્યો હતો. એ સમયે ડાક બંગલા તરીકે ઓળખાતા, જિલ્લા પંચાયતનાં હાલનાં રેસ્ટ-હાઉસમાં ત્યારે વિશેષ અદાલત ઊભી કરાઈ હતી. જે ઐતિહાસિક લીંબડા નીચે મેજીસ્ટ્રેટ ઇસાણીએ ચૂકાદો આપેલ ત્યાં ૨૦૧૧માં મેઘાણી ઓટલો પ્રસ્થાપિત કરાયો છે. આ પ્રસંગની ૯૧મી જયંતી નિમિત્ત્।ે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધંધુકાના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યાના સંનિષ્ઠ પ્રયાસોથી આ ઐતિહાસિક સંકુલનો રૂ. ૩૦ લાખના ખર્ચે સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર થઈ રહ્યો છે.  

રાજકોટ (બાલ્યાવસ્થાની લીલાભૂમિ)

રાજકોટ મારી બાલ્યાવસ્થાની લીલાભૂમિ છે. રાજકોટ જવું મને જેટલું ગમે છે તેટલું કોઈ ઠેકાણે જવું નથી ગમતું. આવા આકર્ષણનું સબળ કારણ છે  : રાજકોટ જાણે મારી જન્મભૂમિ હતી;  કેમકે રાજકોટ પૂર્વેનું એક પણ સ્મરણ મારી પાસે છે નહિ. સમજણા જીવનનું પ્રથમ પ્રભાત રાજકોટમાં પડ્યું. બેથી આઠ વર્ષનો રાજકોટમાં થયેલો. શ્રીફળ લઈને સદરની તાલુકા શાળાએ હું પહેલવહેલો ભણવા બેઠેલો એમ ઝવેરચંદ મેઘાણી લાગણીભેર નોંધે છે. ઝવેરચંદ મેઘાણીના જીવનની અનેક મહત્ત્વની ઘટનાઓને સ્મૃતિઓ રાજકોટ સાથે સંકળાયેલી છે. ફોજદાર પિતા કાળીદાસ મેઘાણીની રાજકોટ ખાતે બદલી થતાં ૨થી ૮ વર્ષની ઉંમર સુધી અત્યારના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ પોલીસ-લાઈનના કવાર્ટરનાં બે ઓરડાના મકાનમાં રહ્યા હતા. દશ માણસનું કુટુંબ પિતાનાં પંદર રૂપિયાના પગાર પર તે વખતે નભતું હતુ. સદરમાં આવેલ, અને અત્યારે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળા તરીકે ઓળખાતી, ત્યારની તાલુકા શાળામાંથી ૧૯૦૧જ્રાક્નત્ન શાળા-શિક્ષણનો પ્રારંભ કર્યો હતો. તે વખતનું નોંધણી-પત્રક આજે પણ આ શાળામાં જતનપૂર્વક જળવાયેલું છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ ઐતિહાસિક શાળાનો સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર કરીને આમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ ખંડ પ્રસ્થાપિત થાય અને રાજકોટ શહેરનાં જોવા-લાયક સ્થળ તરીકે આ શાળા સ્થાન પામે તેવી લોકલાગણી છે.

ધોલેરા સત્યાગ્રહ – સિંધુડો

૧૨ માર્ચ ૧૯૩૦એ મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્થાપેલા સાબરમતી આશ્રમથી ૭૯ સત્યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરીને ૬ એપ્રિલ ૧૯૩૦નાં રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડીને સત્યાગ્રહનો પ્રારંભ કર્યો. તે જ વેળાએ સૌરાષ્ટ્રના સિંહ તરીકે ઓળખાતા અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્યાગ્રહનાં મંડાણ થયાં. સ્વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્ત્।ે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભકિતનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો આ અવસરે પ્રસિધ્ધ થયો. સિંધુડોનાં શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં શામેલ થઈ ગયાં હતાં. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાતાં ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમનાં આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતાં બ્રિટિશ સરકાર પણ ચોંકી ગઈ હતી. બ્રિટિશ સરકારે ગભરાઈ ને સિંધુડો જપ્ત કર્યો. પરંતુ તેની હસ્તલિખિત કાનૂનભંગ-આવૃત્ત્િ।ની સેંકડો સાઇકલોસ્ટાઈલ્ડ નકલો જોતજોતામાં લોકોમાં ફરી વળી હતી. આ ઐતિહાસિક પ્રસંગની ૯૧મી જયંતી ૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ છે. (૨૨.૨૨)

-: આલેખન : -

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(2:54 pm IST)