સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. પાઠકને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ

કૃષિ શિક્ષણમાં સમાજોપયોગી અમૂલ્ય યોગદાન બદલ રાષ્ટ્રીય કક્ષાના મેગેઝીન 'એગ્રીકલ્ચર ટૂડે' દ્વારા સન્માન અપાયુ : દેશના કૃષિ સચિવની હાજરી

રાજકોટ,તા.૫ : સમગ્ર ભારતની ૬૫ થી ૭૦ ટકા વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે ત્યારે ગુજરાત સહિત આખા દેશમાં ખેતીને લગતા શિક્ષણનું મહત્વ અનેકગણુ વધી જાય છે. આ જ સંદર્ભમાં કૃષિ શિક્ષણમાં વિશિષ્ટ તથા અમૂલ્ય યોગદાન આપનાર જૂનાગઢ કૃષિ (એગ્રીકલ્ચર) યુનિવર્સિટીના પુર્વ કુલપતિ ડો.એ.આર. પાઠકને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. દિલ્હીથી પ્રકાશિત થતા રાષ્ટ્રીય કક્ષાના મેગેઝીન 'એગ્રીકલ્ચર ટૂડે' દ્વારા ડો. પાઠકને આ અદકે: સન્માન આપવામાં આવ્યું છે.

ભારત સરકારના કૃષિ સચિવ તથા ICARના માર્ગનિર્દેશક ડો. ત્રિલોચન મહાપાત્રની અધ્યક્ષતામાં યોજાયેલ સમારંભમાં ICFAના ચેરમેન ડો. એમ. જે. ખાન સહિત ભારતની અન્ય કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ ઓનલાઇન સમારંભમાં હાજર રહ્યા હતા.

લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત કરનાર ડો. એ.આર. પાઠકે કૃષિ અનુસંધાન ક્ષેત્રમાં કપાસ, કઠોળ, વિવિધ પાક, ગુવાર, એરંડા, રાઇ તથા ધાન્ય પાકમાં સુધારો કરવાના અનુસંધાને વૈજ્ઞાનિક પધ્ધતિઓ થકી ૨૫ જેટલા સુધારેલ પાક (વાવેતર) તથા ૧૪ જેટલા ઉત્પાદનો માટે યોગ્ય-ઉપયોગી ટેકનિક વિકસાવવા ઉપર ભાર મૂકયો છે. ડો.એ.આર. પાઠક ભૂતકાળમાં પાક (વાવેતર) નિષ્ણાંત તથા અનુસંધાન નિર્દેશક તરીકે આણંદમાં તથા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં કુલપતિ તરીકે પણ સેવા આપી ચૂકયા છે. તેઓએ પી.એચ.ડી. ગાઇડ તરીકે પણ વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. તથા વિવિધ પાકોની ૬૦ જેટલી સુધરેલી જાત અને આશરે ૫૦૦ જેટલી ટેકનિકસની ભલામણો ખેડૂતો માટે કરી છે.

ડો.એ.આર. પાઠકના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તાજેતરના કાર્યકાળ દરમ્યાન ICAR તથા NAAIP પ્રોજેકટ મંજુર થયા હતા. આ પ્રોજેકટ થકી વિદ્યાર્થીઓને કૃષિ શિક્ષણમાં રોબોટીકસ, ડ્રોન વિગેરે જેવી નવી ટેકિનસનો લાભ મળ્યો છે. ૧૮ જેટલા વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ઓફ કેલેફોર્નીયા, બેંકોકના યુ.એસ.એ. એશિયન ઇન્સ્ટીટ્યુટ, તાઇવાનના AVRDC વિગેરેમાં પણ પ્રશિક્ષણ મેળવવાનો લાભ મળ્યો છે.

(12:01 pm IST)