સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

વિસાવદર પાસે બે બાઇક સામસામા અથડાતા બન્ને ચાલકના મોત

મૃતક વૃધ્ધના પત્નીને ગંભીર ઇજા

જુનાગઢ, તા., ૫ : વિસાવદર પાસે બે બાઇક સામસામા અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંનેના ચાલકના મૃત્યુ થયા હતા અને મૃતક વૃધ્ધ ચાલકના પત્નીને ગંભીર ઇજા થતા તેમને જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

વિગતો એવી છે કે નાની પીંડાખાઇ ગામના કેશુભાઇ માવજીભાઇ ગોધાણી (ઉ.વ.૬પ) અને તેમના પત્ની કાંતાબેન બપોરના જીજે-ર૧-એન-૯ર૯પ નંબરના મોટર સાયકલ પર વાડીએ જતા હતા.

ત્યારે રસ્તામાં ગામ નજીક ભલગામ રોડ પર સામેની પુરપાટ ઝડપે મોટર સાયકલ નં. જી.જે. ૩ સીજે ૯૯૩૦ ઉપર આવેલ મોટા ભલગામનાં પ્રકાશ બાલભાઇ બાંભવા-ભરવાડ (ઉ.વ.ર૧) નામના યુવાને કેશુભાઇના બાઇકને જોરદાર ટકકર મારી હતી.

જેમાં પ્રકાશ બાંભવા, કેશુભાઇ અને તેના પત્ની કાંતાબેન ફંગોળાઇ ગયા હતા.

અકસ્માત એટલો ગમખ્વાર હતો કે પ્રકાશભાઇનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મૃત્યુ નિપજયું હતું.

જયારે કેશુભાઇનું સારવારમાં લઇ જતા રસ્તામાં મૃત્યુ થયું હતું. કાંતાબેનને ગંભીર ઇજા થતા તેમને પ્રથમ બગસરા અને બાદમાં વિશેષ સારવાર માટે જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની જાણ થતા ૧૦૮ સેવા પોલીસ અને સેવાભાવીઓ દોડી ગયા હતા. આ અંગે મૃતકના વૃધ્ધના ભાઇ મનસુખભાઇ ગોધાણીની ફરીયાદ લઇ વિસાવદરના એએસઆઇ કે.ડી.મા:એ તપાસ હાથ ધરી છે.

(11:52 am IST)