સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

થોડા કલાકો માટે થતુ સમુદ્રી પાણીનું આવન જાવનએ અલંગ માટે ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ છે : રાજ્યપાલ

રાજ્યપાલે શિપયાર્ડની મુલાકાત લઇ શીપ રિસાયકલિંગ ઉદ્યોગ વિશે માહિતી મેળવી

ભાવનગરતા.૫:  અલંગ શિપયાર્ડ ખાતેના પ્લોટ નં.૬ ની રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુલાકાત લઈ શીપ રિસાયકલિંગ ઉદ્યોગ વિશેની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.

કાર્યક્રમના સ્થળે સભાને સંબોધિત કરતા રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે જયારથી હું ગુજરાત આવ્યો ત્યારથી દેશ દુનિયાના જહાજો ભાંગવાની અલંગની વિશેષતા વિશે ખૂબ સાંભળ્યું હતું.આજે અહીંના લોકો,અહીંનું જનજીવન,ખેતીવાડી તથા અહીંના ઉદ્યોગ નિહાળવાનો અવસર મળ્યો દેશના વિકાસમાં અલંગનો અનેક રીતે ફાળો છે.અલંગ અનેક લોકોને રોજગારી પુરી પાડવાની સાથે સાથે સમગ્ર વિશ્વમાં પોતાના આ અનોખા ઉદ્યોગના કારણે એક અલગ જ છબી ધરાવે છે.થોડા કલાકો માટે સમુદ્રી પાણીનું આવન જાવન એ આ વિસ્તાર માટે ઈશ્વરની અનોખી ભેટ છે.અહીંના ઉદ્યોગકારો હરીફ તરીકે નહીં પરંતુ એકબીજાના સહયોગી બનીને ઉદ્યોગ સંચાલિત કરી રહ્યા છે.

રાજયપાલશ્રીએ તેમના દ્વારા ચલાવવામાં આવતા વ્યસનમુકિત, સ્વચ્છતા અભિયાન,પર્યાવરણ જાળવણી, જળ સંરક્ષણ, પ્રાકૃતિક ખેતી, સહિતના વિવિધ અભિયાનો વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે આજની યુવાપેઢી વ્યસનમુકત બને, લોકો પર્યાવરણની જાણવણી કરે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને દેશના સર્વાંગી વિકાસમાં પોતાનું યોગદાન આપે.આગામી સમયમાં રાજયના દરેક શહેરોમાં પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેંચાણ માટે કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેમ પણ રાજયપાલશ્રી એ ઉમેર્યું હતું.

(10:38 am IST)