સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

તાલાળાના પ્રયોગશીલ બાગાયતકાર ડો. ભાવિક કુંભાણીએ બેકટેરીયા આધારીત જૈવિક પાકવૃધ્ધિ અપનાવી કેસર બગીચાને ખાખડીથી તરબતર બનાવ્યો

ગિર સોમનાથ :  વેરાવળ શહેરથી ૨૯ કીલોમીટરનાં અંતરે વનરાજ ડાલામથ્થાનાં સાંનિધ્યે કેસર કેરીનાં આંબાવાડીયામાં આમ્રમંજરીની ફોરમો એવુ કહેતી હતી કે ઓણ કેસર કેરીનો પાક મબલખ પાકશે. પણ ગ્લોબલ વોર્મીંગની આડઅસરો આપણાં જનજીવન પર એવી તે પ્રસરી છે કે ધાર્યુ પરિણામ મળવા આડે એક વેંત દુર રહી જવાય છે. આ વર્ષે આમ જોઇએ તો કુદરતે પુરતો વરસાદ આપી આપણને પર્યાવરણનાં જતન અને જળસંચય-જળસિંચનની બાબતો પર વિચાર કરવા શીખ આપી છે.

નવ રચિત ગીર-સોમનાથ જિલ્લાનો તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિધ્ધ છે. અહિની જમીન કેસર કેરીને ખુબ માફક આવે છે. તાલાળા ગીર કેસર કેરીની રાજધાની છે. એમ કહીએ તો કશુ ખોટુ નથી.તાલાળા તાલુકાના ૪૯ ગામોની ૨૯૮૦૦ હેકટર ખેતી લાયક જમીન પૈકી અંદાજીત ૧૬૯૦૦ હેકટર જમીનમાં આબાવાડીઓ ઉભા છે. કેસર કેરીનાં આબાવાડીઓ તાલાળા તાલુકાની જીવાદોરી તો છે જ પણ અહીંની આગવી ઓળખ પણ છે.

તાલાળાની આ જીવાદોરીને વધુ મજબુત કરવા ફળનો રાજા કેસર કેરીનો વધુ ભાવ મેળવવા કોઇ શોર્ટકટ નથી.

વરસાદ, વાતાવરણ, ખેડૂતોની માવજત, માર્કેટીંગ, બજારભાવ મુજબ કેસર કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતોને નાણાં મળે છે. પરંતુ ખેડૂતો બજારમાં કેસર કેરી વહેલાસર લાવવા કલ્ટાર વાપરીને આંબાવાડીયાની સાથે જમીનને પણ નુકશાન પહોંચાડી રહ્યા છે. ઉપરાંત કેસર કેરી બજારમાં આવ્યા બાદ કેરીને પકવવા ઉપયોગમાં લેવાતો કાર્બેટ લોકોને કેસર કેરીના અસલ સ્વાદથી વિમુખ કરે છે. આથી કાર્બેટ અને કલ્ટાર કેસર કેરીની સાથે લાંબા ગાળે કેરીનુ ઉત્પાદન કરતા ખેડૂતો અને ખાનાર વર્ગ માટે નુકશાન કારક છે. આ માટે કેરીનું ઉત્પાદન કરતા ખેડૂતો જાગૃત બને એ દિશામાં તાલાળાનાં બાગાયતકાર યોગેશભાઇ કુંભાણી જણાવે છે. યોગેશભાઇ કહે છે કે ગીરની કેસર કેરી ગુજરાતની ઓળખ છે. ફળની રાણી એવી સુમધુર કેસર કેરીની લોકો રાહ જોતા હોય છે ત્યારે તેનું ઉત્પાદન ઘટે તે પાલવે તેમ નથી. ખેડુતની આવક બમણી કરવા માટે આધુનિક ખેતી અને ગુણવતાયુકત ઉત્પાદન જરૂરી છે. પરંપરાગત કેસર કેરીના આંબાના વાવેતરના બદલે ઈઝરાયલની હાઇડેન્સીટી પધ્ધતિથી આંબાના વાવેતરનો પ્રયોગ વિધાદીઠ ઉત્પાદનમાં બમણો વધારા સાથે સફળ થયો છે. બદલાતા વાતાવરણને કારણે તાલાળા તાલુકાનાં સુરવા, મોરૂકા, રસુલપરા, અમૃતવેલ, જશાપરુ, વાડલા, આંકોલવાડી, લુશાળા, ધાવા, વિરપુર, બોરવાવ, ચિત્રોડ ગામોનાં આંબાવાડીયા અવારનવાર રોગના ભરડામાં સપડાતા હોય છે. ઘણીવાર ખેડુતોની આશા પર જાણે પાણી ફરી વળે અને આંબાવાડીયામાં અનેક આંબાઓ જાણે કે વાંઝીયા હોય તેમ દેખાતા હોય છે ત્યારે ખેડૂતોએ તેની યોગ્ય સારસંભાળ લેવી જોઇએ,જો તેમ કરવામાં આવે તો તેના કારણે આંબા પરનો મોર ડાળી પરથી ખરી જતો નથી તેવુ યોગેશભાઇ કુંભાણીએ અનુભવે જાણ્યુ છે.

આબાંવાડીયાની યોગ્ય સારસંભાળથી વિકાસ પણ સારો થઇ શકે છે.આ માટે મારા આંબાવાડીયામાં મેં આગોતરી બાબતોની કાળજી દાખવી હતી અને અન્ય ખેડુતોનાં બગીચા જેવી મારા આંબાવાડીયાની હાલત થઇ નથી, આમવાત કરતા તાલાળાનાં પ્રયોગશીલ બાગાયતકાર ડો. ભાવીક કુંભાણી  કહે છે કે આજે મારા બાગાયતમા કેરી ત્રણ વિભાગમાં આવી છે. આગતર હતી તે મસમોટી બની છે, બીજીવારનું આવરણ હતુ તે કેરી ખાખડી સ્વરૂપે ઝુમખામાં જુલી રહી છે. અને તાજેતરમાં આવેલ આવરણમાં મગીયો બંધાઇ રહ્યો છે. આમ ત્રણ જનરેશન મારા બગીચામાં દ્રષ્ટીગોચર થઇ રહ્યો છે. મારા ખેતરની આસપાસ ઘણાંખરા બગીચા જાણે કે ખાલીખમ ભાસવા જઇ રહ્યા છે. ડો. ભાવીક કુંભાણીને તેના બગીચાનાં સારા આવરણ વિશે પ્રચ્છા કરતા જણાવ્યુ કે બગીચાનાં વૃક્ષોની સારસંભાળ તેની ભૃપૃષ્ટ સંરચનાનો અભ્યાસને લઇને કરવી જોઇએ, આડેધડ રાસાયણીક ખાતર અને જંતુનાશક દવાઓ, વધુ પાક ઉત્પાદન લેવા અને આગોતરા કેરીનાં ફાલ લેવા કલ્ટાન જેવા ઝેરી રસાયણો બગીચાને વિનાશ તરફ દોર જાય છે. મારા પીતાશ્રી જગદિશભાઇનાં દેહાવસાન બાદ ખેતીનાં કામનો સીધો ભાર મારી શીરે આવ્યો, બાગાયતી ખેતીમાં મારૂ કોઇ જ્ઞાન હતુ નહીં પીતાજીનાં અણદ્યાર્યા વિદાય થવાનાં કારણે મેં અને મારા મોટાભાઇ યોગેશભાઇએ ગામનાં અનુભવી બાગાયતકાર ચંદુભાઇ લક્કડનું માર્ગદર્શન મેળવી સારૂ ઉત્પાદન મેળવવા તેમનાં સુચવેલ પથ પર બગીચાને નવસાધ્ય કરવા જહેમત ઉઠાવી. ચંદુભાઇ બગીચાને બેકટેરીયલ જૈવીક પધ્ધતીથી અને ઢાંચાગત ખેતીથી બહાર આવી મને બગીચાની માવજત કરવા માર્ગદર્શન આપ્યુ, જયાં જરૂર હતી ત્યાં ટપક સીંચાઇ અને જયાં જરુર જણાઇ ત્યાં ધોરીયા વાટે સીંચાઇ કરવી, બગીચાને ઝાડનાં થડને કોઇ કેમીકલ કે મોરથુથુ કે ચુનાનાં આવરણ રહીત કર્યા, આંબામાં મોર આવવાના સમયે મધિયો, ડૂંખ અને મોરને કોરી ખાનાર ઇયળ, ફૂલો ખાતી ઇયળ અને મોરની ગાંઠીયા માખી જેવી જીવાતો અને ભૂકી-છારા નામના રોગનો ઉપદ્રવ જોવા મળ્યો ત્યાં જૈવીક માવજત કરી, આંબાનો મધિયો આંબામાં સૌથી વધુ નુકસાન કરે છે. મધિયાનાં પુખ્ત કીટકો અને બચ્ચા પાન અને મોરમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે, જેથી ફૂલ ચીમળાઇને ખરી પડે છે. મધિયાના શરીરમાંથી મધ જેવા ચીકણા પદાર્થનું ઝરણ થાય છે, જેથી પાન પર કાળી ફૂગ ઉગી નીકળે છે. આના કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અવરોધાવાથી કેરીના ઉત્પાદન પર માઠી અસર થાય છે. મધિયાના નિયંત્રણ માટે બેકટેરીયલ માવજત કરી, ડૂંખ અને મોર કોરી ખાતી ઇયળ તથા મોરના ફૂલ ખાતી ઇયળ મોર આવે ત્યારે કુમળા પુષ્પ વિન્યાસનો અંદરનો ભાગ ખાઇ જાય છે. આથી મોર સુકાઇ જાય છે અને કેરીઓ બેસતી નથી. આ ઇયળોના નિયંત્રણ માટે સુચવ્યા મુજબ માવજત કરી ભૂકી-છારાનો રોગ ફૂગથી થતો આ રોગ મોર ફૂટે તે સમયે જોવા મળે છે. આ રોગના કારણે અવિકસિત ફળો તથા મોર ખરી પડે છે. આ રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત થતી જોવા મળે કે તરત માજવત કરી, આંબામાં કેરી બેઠા પછી કેરીઓ વટાણા જેવડી થાય ત્યારે તેના વિકાસ માટે પુખ્ય વયના આંબાના ઝાડ દીઠ સેન્દ્રીય ખાતર આપીને પિયત આપવું. કેરી વટાણા કદની થાય ત્યારેજ પ્રથમ પિયત આપવાનું હોય છે. આથી આ સમયે ખાતર આપીને પ્રથમ પિયત આપવું. કેરીઓનું ખરણ અટકાવવા માટે કેરી વટાણા જેવડી થાય ત્યારે ચંદુભાઇએ સુચવેલ બેકટેરીયા આધારીત સુચવેલ માવજતે આજે મારો બગીચો લચલચતો ભાસી રહ્યો છે. સારા આવરણની બગીચાની ક્રેડીટ જૈવીક ખેતપધ્ધતિ, અનુભવી બાગાયતકારનું ચોક્કસ માર્ગદર્શન અને મારા દાદા ભીમજીભાઇનો બાગાયતનો પૈતૃક ખેતનુભવનો વારસો કામ લાગ્યો કેમ કે મેં બાગાયતનાં એક એક વૃક્ષ પાછળ ૧૨૦૦ રૂાનો ખર્ચ કરી ચુકયો છુ. જે મારૂ એક સાહસ હતુ પણ સાહસ વિના સિધ્ધી કયા સાંપડે છે સાહેબ..એમ યોગેશભાઇ કુંભાણીએ  જણાવ્યુ હતુ.

 : સંકલન :

ચીરાગ પટેલ

જૂનાગઢ

(11:47 am IST)