સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

ઉનાના કોબ અને ચીખલીની સરકારી જમીન ઉપર ગેરકાયદે ઝીંગા ઉછેર કેન્દ્ર ઉભુ કરનારા ૬ વ્યકિતઓ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૫ :. તાલુકામાં સૌ પ્રથમવાર નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ઉનાના મામલતદારશ્રીએ કોબ, ચીખલી ગામની સરકારી જમીન ઉપર વરસોથી ગેરકાયદે કબ્જો કરી ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવી લાખો રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યાની ૬ લોકો સામે ફરીયાદ નોંધાવતા ભૂમાફીયામાં ફફડાટ વ્યાપી ગયેલ છે.

ઉના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ઉનાના તાલુકા મામલતદાર કનુભાઈ એમ. નિનામાએ પીએસઆઈ કે.વી. પરમારની રૂબરૂમાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી કે ઉના તાલુકાના કોબ ગામના લખમણભાઈ માંડણભાઈ ભાલીયા રે. કોબ (૨) જેસીંગભાઈ અરશીભાઈ શીંગડ રે. લેરકા (૩) બીજલભાઈ બચુભાઈ બાંભણીયા રે. પાલડીવાળાએ કોબ ગામની સરકારી જમીન સર્વે નંબર ૯૨ પૈકી ૧ જમીન આશરે દોઢ વિઘામાં ગેરકાયદેસર કબ્જો કરી જીંગા ઉછેર કેન્દ્ર બનાવી તલાવડી, પાઈપ નાખી બિનઅધિકૃત રીતે ૩ વર્ષથી કબ્જો જમાવી લાખો રૂપિયાનો આર્થિક લાભ મેળવી પેશકદમી કરેલ હોય ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધિત નિયમ ૪(૩), ૫(ગ) મુજબ ગુનો નોંધવાની ફરીયાદ આપતા નવાબંદર મરીન પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ડી.વાય.એસ.પી. પરમાર તપાસ કરી રહ્યા છે.

બીજા ગુનામાં ઉના મામલતદાર કનુભાઈ એમ. નીનામા પોતે ફરીયાદી બની આરોપી (૧) જીવાભાઈ ભીમાભાઈ બાંભણીયા રે. ચીખલી (૨) લાભુબેન રાજાભાઈ કામળીયા રે. ચીખલી (૩) જેમલભાઈ લાખાભાઈ બાંભણીયા રે. ચીખલીવાળાએ આ ૩ આરોપીઓએ ઉના તાલુકાના કોબ ગામના સર્વે નંબર ૨૪ પૈકી ૭ તથા સર્વે નંબર ૨૪ પૈકી-૮ તથા ચીખલી ગામની સીમમાં સરકારી જમીન સર્વે નંબર ૧૫૩(૨) તથા સર્વે નંબર ૧૬, ૫(૧)વાળી જમીન ઉપર છેલ્લા અગીયાર વર્ષથી બિનઅધિકૃત રીતે કબ્જો જમાવી ૩૦ વિઘા જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગા ઉછેર કેન્દ્ર બનાવી તળાવડી બનાવી, ગટર કરી, પાઈપ નાખી, ઝીંગાનો ઉછેર કરી લાખો રૂપિયાનો આર્થિક લાભ મેળવી સરકારની જમીન ઉપર કબજો જમાવેલ હોય તેની સામે પણ ગુજરાત જમીન પચાવવા ઉપર પ્રતિબંધ નિયમ ૪(૩), ૫(ગ) મુજબ લેન્ડ ગ્રેબીંગ કાયદા મુજબ ગુનો દાખલ કરવા ફરીયાદ આપતા નવાબંદર મરીન પોલીસે ગુના નંબર ૯૮/૨૦૨૧ અને ૯૯/૨૦૨૧થી ગુજરાત લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરેલ છે. આરોપીને પકડવા જીલ્લાના ડીવાયએસપી શ્રી પરમાર વધુ તપાસ કરી છે.

(10:20 am IST)