સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 5th March 2021

કચ્છમાં આપઘાતના બનાવોમાં ચાર મોત : કુકમા ગામે દંપતીએ ઝેરના પારખા કરતાં પત્નીનું મોત : પતિ બેભાન

માંડવીમાં યુવાને, પદમપુર અને ધાણેટી ગામે પરિણીતાઓએ જીવ દીધો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૫ :  આજની પેઢીમાં જીવનમાં આવતા ચડાવઉતાર વચ્ચે ધીરજ અને સહનશકિત ઘટી રહી છે, પરિણામે નાની મોટી મુશ્કેલીનો સામનો કરવાને બદલે આત્મહત્યા કરવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે.

ભુજના કુકમા ગામે રહેતા ૩૫ વર્ષીય યુવા દંપતી મીનાબેન હિતેશ પ્રજાપતિ અને હિતેશ અરજણ પ્રજાપતિએ ઝેરી દવા પી લીધી હતી. જે પૈકી મીનાબેન નું ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. પતિ હિતેશ પ્રજાપતિ બેભાન હોઈ સારવાર હેઠળ છે.

આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. માંડવીના મોડકુબા ગામે નર્મદા કેનાલમાં પુલિયા નીચે લટકી ગળે ફાંસો ખાઈ ૨૪ વર્ષીય યુવાને પોતાનો જીવ દીધો હતો. આત્મહત્યા કરનાર યુવાન માંડવીના ગોધરા ગામનો ઈશ્વર કેશવજી માતંગ હોવાનું પોલીસે જણાવ્યું છે. જોકે, આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી.

અન્ય બીજા બે બનાવોમાં માંડવીના પદમપુર ગામે વાડીમાં રહી ખેતમજૂરી કરનાર ૨૦ વર્ષીય પરિણીતા મનીષાબેન ગિરીશ નાયક અને ભુજના ધાણેટી ગામે વાડીમાં રહી ખેતમજૂરી કરનાર ૨૦ વર્ષીય પરિણીતા હેતીબેન અશોક ઠાકોરે ઝેરી દવા પી પોતાની જિંદગી ટુંકાવી હતી. બન્ને પરિણીતાઓએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હોવાનું પોલીસમાં જણાવાયું છે. આપઘાતના ચારેય બનાવોની તપાસ પોલીસે શરૂ કરી છે.

(10:34 am IST)