સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

રાજકોટ- ગોંડલ- કોટડા સાંગાણી પંથકમાં સિંહના આંટાફેરા બાદ હવે લોધિકા તાલુકાના ખીજડીયા ગામે દિપડો દેખાતા ભારે ફફડાટ

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ૧ મહિના કરતા વધુ સમયથી સિંહ લટાર મારી રહ્યા છે. અત્યાર સુધી રાજકોટ, ગોંડલ અને કોટડાસાંગાણી તાલુકાની હદમાં અલગ અલગ ગામોમાં સિંહ જોવા મળ્યા છે. રાજકોટ જિલ્લામાં સિંહ આવ્યાની માહિતીથી છેલ્લા એક માસથી વનવિભાગ નજર રાખીને બેસ્યું છે. તો લોકો ખૌફના માહોલમાં જીવી રહ્યાં છે. આવામાં લોકોના ખૌફમાં વધારો થાય તેવી સ્થિતિ સર્જાઈ છે. લોધિકા તાલુકાના લોકો માટે કૂવો અને ખીણ જેવી સ્થિતિમાં ઝોલા ખાઈ રહ્યાં છે. રાજકોટમાં એક તરફ સિંહની લટાર બાદ લોધિકા તાલુકમાં હવે દીપડાએ દેખા દીધી છે.

રાજકોટમાં એક તરફ સિંહની લટાર બીજી તરફ લોધિકા તાલુકામાં દીપડા દેખાયો છે. આ કારણે રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં ભયનું મોજું ફરી વળ્યું છે. લોધિકા તાલુકાના ખીજડીયા ગામે દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખીજડીયા ગામના રોજીયા માર્ગ પર દીપડો દેખાયો છે. ખીજડીયા ગામના સરપંચે આ વાતની પુષ્ટિ કરી છે. સોમવારે રાત્રિના 9 વાગ્યાની આસપાસ દીપડો દેખાયો હતો. એક તરફ સિંહનો ખૌફ હતો, ત્યાં લોકોમાં દીપડાની હાજરીથી બહાર જતા ડરવા લાગ્યા છે.

આ અંગે ગામના સરપંચે કહ્યું કે, લોધિકા જીઆઈડીસીમાં કામ કરતા મજૂરોને નજરે દીપડો ચઢ્યો હતો. રાત્રે કેટલાક મજૂરો લોધિકા જીઆઈડીસીમાંથી કામ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે મજૂરોએ પોતાના મોબાઈલમાં દીપડાનો ફોટો લઈને મને મોકલ્યો હતો. મેં આ ફોટો જંગલ ખાતાને આ વિશે જાણ કરી હતી. તપાસ કરતા સીમમાં શનિવાર અને રવિવારના રોજ દીપડો આંટાફેરા મારતો હોવાનું સામે આવ્યું છે. તો સાથે જ દીપડાએ પશુનુ મારણ કર્યું હોવાનું પણ વન વિભાગે કહ્યું છે.

સીમ બાદ કારખાનામાં પહોંચ્યો સિંહ

જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 25 દિવસથી સિંહ આંટાફેરા મારી રહ્યાં છે. ગઇ રાત્રિના સમયે સિંહ ખારચિયા ગામે સિંહ જોવા મળ્યા હતા. ખારચિયા ગામે રાત્રિ દરમિયાન વાડી વિસ્તારમાં સિંહ પહોંચ્યા હતા. વાડીમાં આવેલ કારખાનાના CCTV માં સિંહ કેદ થયા છે. તો ભાયાસર ગામ, પડવલા ગામમાં પણ રાત્રિ દરમિયાન સિંહ જોવા મળ્યા છે. અત્યાર સુધીમાં સિંહ દ્વારા 20 થી વધુ પશુના મારણ કરાયા છે.

(5:08 pm IST)