સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

કાતિલ ઠાર સાથે કચ્છ બન્યું કુલુ: ભુજમાં હીલ સ્ટેશન જેવો નઝારો : ભુજના હમીરસર તળાવની આસપાસ જાણે નખી લેક જેવો નઝારો

વિનોદ ગાલા દ્વારા (ભુજ::: હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છના હવામાનમાં પલ્ટો આવ્યો છે. આજે સવારથી જ ગાઢ ધુમ્મસ સાથે કચ્છ જાણે કુલુ મનાલી જેવા હિલસ્ટેશનમાં ફેરવાઈ ગયું હતું. સૂરજ આડે ગાઢ ધુમ્મસ આવી જતાં આજે સૂરજદાદા પણ અલોપ થઈ ગયા હતા. જોકે, ઉષ્ણતામાનનો પારો ભુજમાં ૧૧ ડિગ્રી અને નલિયામાં ૭.૮ ડિગ્રી છે, જે ઠંડીના પ્રમાણમાં ઊંચો છે. પણ, ધુમ્મસ સાથે ઝાકળ હોઈ 'ઠાર' કાતિલ છે. આજે સવારથી જ જોરદાર ઠાર ને કારણે જનજીવન ઠુંઠવાઈ ગયું છે.

     જોકે, ધુમ્મસની ચાદર ઓઢેલું ભુજ આજે હીલ સ્ટેશન જેવું ભાસતું હતું. ભુજના હમીરસર તળાવની આસપાસ જાણે નખી લેક જેવો નઝારો જોવા મળ્યો હતો. ખાસ કરીને યુવા વર્ગ આજના હીલ સ્ટેશન જેવા રમણીય દ્રશ્યોથી ખુશખુશાલ થઈ ગયો હતો. પણ એકંદરે કાતિલ ઠારના કારણે કચ્છભરમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું.

(2:56 pm IST)