સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

કોરોનાથી ફેફસાની બીમારીની શકયતા

ફેફસામાં કોરોનાના સંક્રમણ વિશે રિસર્ચ કરી રહ્યા છે જામનગર કોવિડ ઓપીડીના નોડલ ઓફિસર ડો. ઇવા ચેટર્જી

કોવિડ ઓપીડીમાં નોંધાયા છે ૫૦ હજાર જેટલા દર્દીઓ

જામનગર તા.૪ જાન્યુઆરી, જી.જી.કોવિડ હોસ્પિટલમાં ઓપીડી કોવિડના નોડલ ઓફિસર  અને પલમોનોલોજી(ટીબી-ચેસ્ટ) વિભાગના એસોસીએટ પ્રો. ડો. ઈવા ચેટર્જી ફેફસાના ડોકટર છે. તેઓ ફેફસામાં કોરોનાના સંક્રમણ વિશે રિસર્ચ કરી રહ્યા છે.તેઓ કહે છે કે કોરાનાની સૌથી વધુ અસર ફેફસા ઉપર થાય છે.કોરોના મટી ગયા બાદ, Rtpcr રિપોર્ટ નેગેટિવ આવ્યા પછી પણ લાંબા સમય સુધી કદાચ કાયમ માટે ફેફસા ડેમેજ રહેવાની સંભાવના છે ખરી!

મોટાભાગે તો કોરોનાના સામાન્ય દર્દીઓ બાર કે પંદર દિવસમાં સાજા થઈ જતા હોય છે. પરંતુ કોરોના જતો રહ્યો હોવા છતાં કેટલાક દર્દીને ફેફસાની બીમારીઓ શરૂ થઇ જતી હોય છે. છાતી-ફેફસાના ડોકટરો આવા દર્દીઓની સારવાર ઓકિસઝન થેરાપીથી કરતા હોય છે.જોકે આવું સાઈઠ વર્ષ ઉપરના સિનિયર સિટીઝન કે ઓબેસીટી, ડાયાબિટીસ, બીપી સહિતની બીમારી ધરાવતા દર્દીઓને થવાની સંભાવના વધુ રહે છે. આ બીમારીને લન્ગ ફાયબ્રાસીસ કહે છે. આવા દર્દી ગમે તેટલા વર્ષ જીવે તો પણ તેના ફેફસા ફરીથી પૂર્વરત કામ નથી જ કરી શકવાના.

એવા ૩૦ ટકાથી પણ વધુ દર્દીઓ છે કે જેમને કોરોના જતો રહ્યો હોય છતાં ફેફસા-હૃદય સહિતની બીમારીઓની સારવાર માટે  દિવસો જ નહીં મહિનાઓ સુધી   સારવાર માટે વેન્ટિલેટર-ઓકિસઝન ઉપર રાખવામાં આવે છે.   

ડો.ઈવા ચેટર્જી કહે છે કે અત્યાર સુધીમાં ૫૦હજાર જેટલા દર્દીઓ કોવિડ હોસ્પિટલના  ઓપીડીમાં આવી ચુકયા છે. દર્દીની હિસ્ટરી મુજબ તેમનો રેપીડ એન્ટીજન ટેસ્ટ અને  rtpcr ની તપાસ થાય છે. કેટલાક સામાન્ય દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ પણ આપવામાં આવે છે. કોવિડ સિવાયના ગભીર હોય તો તેમને આઇસીયુ સહિત સંબધિત વિભાગમાં મોકલવામાં આવે છે. કોવિડ ઓપીડી ચોવીસ કલાક ત્રણ પાળીમાં કાર્યરત હોય છે. સ્ટાફ પણ ત્રણ શિફટમાં દિવસ રાત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.

(12:44 pm IST)