સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

કચ્છમાં નર્મદાના અધૂરા કામો પૂરા કરવા ૫૦૦૦ કરોડ ફાળવવાની માંગણી કરતા પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડા

૨૦ વર્ષથી નર્મદાનું કામ પુરૃં થતું નથી : ભાજપના વરિષ્ઠ નેતાની રજૂઆત : નરેન્દ્રભાઇની સરકાર વખતે થયેલા આયોજનને પુરૃં કરવા સરકાર ઉદાસીનતા છોડી વહીવટી મંજુરી આપે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૫ : કચ્છ અને નર્મદા એ બન્ને વિશે હમેશાં શાસક પક્ષ દ્વારા મોટી મોટી વાતો થતી રહે છે. પણ, હજીયે કચ્છ માટે નર્મદાનું પાણી મૃગજળ જ છે. નર્મદાના સિંચાઇ માટેના પાણી હજી સુધી માટે રાપર અને ભચાઉ સુધી જ પહોંચ્યા છે. પણ, મૂળ આયોજન મુજબ ગાંધીધામ, અંજાર, મુન્દ્રા, માંડવી સુધી નર્મદાના સિંચાઈના પાણી હજી પહોંચી શકયા નથી. આ મુદ્દે ભારતીય કિસાન સંઘ, નર્મદા જળ સંકટ નિવારણ સમિતિ દ્વારા જમીન સંપાદનની અધૂરી કામગીરી પૂરી કરવા અને વધારાના પાણી માટે બ્રાન્ચ અને લિંક કેનાલના કામ શરૂ કરવા માટે વારંવાર રજૂઆત થઈ ચૂકી છે.

જયારે નર્મદાના સિંચાઈના પાણી ના મુદ્દે કચ્છ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડા પણ અગાઉ સરકારને જમીન સંપાદનના મુદ્દે અધૂરી રહેલી કામગીરી પૂર્ણ કરવા રજૂઆત કરી ચૂકયા છે. હવે ફરી એક વખત તારાચંદભાઈ છેડાએ સરકારને નર્મદાના મુદ્દે પત્ર લખ્યો છે. જેમાં મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈની સરકાર સમયે થયેલા એક મિલિયન એકર ફીટ પાણીની ફાળવણી સમયે કરાયેલા આયોજન પૂર્ણ કરવા પોતાના પત્રમાં માંગ કરી છે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલને કચ્છ માટે નર્મદાના વધારાના પાણી માટેના કામો પૂરા કરવા ૫૦૦૦ હજાર કરોડ રૂપિયા ફાળવવા શ્રી છેડાએ માંગણી કરી છે. ૨૦ વર્ષથી કચ્છમાં નર્મદાનું કામ અધૂરું છે, તેવું જણાવતાં ભાજપના વરિષ્ઠ આગેવાન શ્રી છેડાએ વધારાના એક મિલિયન એકર ફીટ પાણી પહોંચાડવા બ્રાન્ચ અને લિંક કેનાલ બનાવવાની કામગીરી અંતર્ગત ઉત્ત્।ર ગુજરાતમાં પાણી પહોંચી ગયું છે, સૌરાષ્ટ્રમાં કામગીરી પૂર્ણ થવાના આરે છે. પણ, હજી સુધી કચ્છમાં બ્રાન્ચ અને લિંક કેનાલના કામો શરૂ થઈ શકયા નથી. સરકાર ઉદાસીનતા દૂર કરી કચ્છ માટે વહીવટી મંજુરી આપે તેવી માગણી સાથે શ્રી છેડાએ કચ્છને દુષ્કાળમાં થી મુકત કરવા નર્મદાના વધારાના પાણી પહોચાડવા જણાવ્યું છે. આ કામગીરી માટે સરકાર હવે ૫૦૦૦ કરોડ રૂપિયા ફાળવીને કચ્છી પ્રજાની અપેક્ષા પૂર્ણ કરશે એવી ખાત્રી હોવાનો વિશ્વાસ પણ શ્રી છેડાએ પોતાના પત્રમાં વ્યકત કર્યો છે.

(11:30 am IST)