સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 5th January 2021

વાંકાનેર પાટીદાર સુપર માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સ ભંગ સામે મામલતદાર દ્વારા પોલીસ તપાસનો આદેશ

સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં જ તંત્ર દોડતું થયું !

વાંકાનેર તા. ૫ : વાંકાનેરમાં પાટીદાર સુપર માર્કેટનાં ઉદ્ઘાટન સમયે ભારે ભીડ ઉમટી પડી હતી અને સોશ્યલ ડિસ્ટન્સનો સરાજાહેર ભંગ થયો હતો જે અહેવાલ સોશ્યલ મિડિયામાં પ્રસિધ્ધ થતાં જ મામલતદાર દ્વારા પોલીસને તાકીદે તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશો છૂટતાં પોલીસ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.

વાંકાનેરનાં દિવાનપરા વિસ્તારમાં ગઈ કાલે પાટીદાર સુપર માર્કેટને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને રાહત ભાવે ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોય ગ્રાહકોની કતારો લાગી હતી, અને આ એક જ દિવસ માટે રાહત ભાવે વસ્તુઓ મળશે તેમ સમજીને લોકોની વધુ ભીડ જામી હતી, જોકે માર્કેટ સંચાલકોને પણ આટલી ભીડ જામશે તેઓ અંદાજ ન હતો અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ થાય તેવો હેતુ પણ ન હતો પરંતુ એકાએક ભીડ ઉમટી પડી હતી, અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો, અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

આ બાબતનો વીડિયો વાઈરલ થતાં તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા હતા જે બાબતે સોશ્યલ મિડિયામાં અહેવાલ પ્રસિધ્ધ થતાં તંત્ર સફાળું જાગ્યું હતું અને વાંકાનેર મામલતદાર દ્વારા પોલીસને તાકીદે તપાસ કરી કાર્યવાહી કરવાના આદેશો છૂટતાં શહેર પોલીસ દોડી જઈ તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(10:11 am IST)