સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 4th December 2021

વડતાલમાં ૭૦૦ દિવ્યાંગોને કૃત્રીમ હાથ-પગ લગાડી અપાયાઃ રાકેશ પ્રસાદજી અને રાજયપાલ દેવવ્રતજીની ઉપસ્થિતિ

(હિતેષ રાચ્છ) વાંકાનેર, તા. ૪ : સાધુ તો ચલતા ભલૉ આપણે સૌએ સાંભળ્યું છે પણ આ વિશ્વ દિવ્યાંગ દિવસે સાધુ તો ચલાતા ભલૉ આ સૂત્રને સાકાર થતું વડતાલમાં જોવા મળ્યું ! સર્વ જીવ હિતાવહ શિક્ષાપત્રીના જન્મ સ્થાન વડતાલ ખાતે માનવ સેવાનો આ અનોખો મહાયજ્ઞ ૅ એક કદમ દિવ્યાંગ સેવાકી ઔરૅ યોજાયો...!

કોઈપણ કારણસર પોતાના હાથ કે પગ ગુમાવી ચૂકેલા ૭૦૦ ઉપરાંત વ્યકિતઓને વડતાલ સંસ્થાન અને ગોકુલધામ-નાર દ્વારા અમેરિકા સ્થિત ગ્રુપ હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમિનિટીૅ ના આર્થિક સહયોગથી એક સાથે એક જ દિવસમાં એક જ સ્થળે થી નિઃશુલ્ક કૃત્રિમ હાથ પગ લગાડી આપવામાં આવ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના આચાર્ય પરમ પૂજ્ય ધર્મ ધુરંધર ૧૦૦૮ શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી યોજાએલ આ કાર્યક્રમ એક કદમ દિવ્યાંગ સેવા કી ઔરૅ ના સાક્ષી બનવા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ, ગુજરાત સરકારના મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી પંકજભાઇ દેસાઇ, સ્થાનિક સાંસદ શ્રી મિતેશભાઈ (બકાભાઇ) પટેલ આગેવાનો હાજર રહ્યા હતા એમ વડતાલ મંદિરના મુખ્ય કોઠારી શ્રી ડૉ સંત વલ્લભ સ્વામી એ જણાવ્યું હતું. ૩જી ડિસેમ્બરે દિવ્યાંગજનોને નિશુલ્ક કૃત્રિમ હાથ પગ પહેરાવી દોડતા કરવાના આ ભગીરથ કાર્યમાં ૧૮૦ ડૉકટર, ૫૦ નર્સ ઉપરાંત વડતાલ સંસ્થાન સાથે જોડાયેલ ૫૦૦ જેટલા સ્વયંસેવકોએ ૩૧ જુદીજુદી સમિતિઓ બનાવી પોતાની સેવા આપી હતી.

પૂજય સંતવલ્લભ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે વડતાલ શ્રી લક્ષ્મીજીનું સ્થાન છે અને વડતાલ સાથે જોડાયેલા દેશ વિદેશના લાખો હરિભકતો પોતાની સદ્લક્ષ્મીનો સમાજના સતકાર્યમાં ઉપયોગ કરી રહ્યા છે...! સેવાને સાત્વિક હથિયાર બનાવીએ તો અસહાય અને લાચાર લોકોના જીવનમાં આવેલા દુઃખના અતિક્રમણને ચોક્કસ હણી શકાય એવો અમારો વિશ્વાસ છે..

એટલે વડતાલના દિવ્ય દેવાલયમાં અધ્યામિકતાના શિખર નીચે માનવતાની જ્યોત સતત પ્રવજલિત રહે એવો પ્રયાસ સંતોના માર્ગદર્શનમાં સહજાનંદી સમાજ કરી રહ્યો છે જેના ભાગ રૂપે વડતાલમાં નિઃશુલ્ક સ્વામિનારાયણ સ્વામિનારાયણ હોસ્પિટલ, ગરીબોને ભોજન, ધાબળા વિતરણ, ગરીબ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ, પર્યાવરણની રક્ષા માટે વૃક્ષારોપણ, દુષ્કાળ, અતિવૃષ્ટિ કે ધરતીકંપ જેવી કુદરતી આપદા કે કોરોના જેવી મહામારીમાં જીવની પરવા કર્યા વિના આ સજાનંદી સમાજ સતત સ્વખર્ચે સેવારત હોય છે !

આ કાર્યક્રમમાં દિવ્યાંગજનો ની અત્યાર સુધીની જિંદગી ભલે કષ્ટદાયક રહી હોય પણ આવનારું જીવન સુખરૂપ પસાર થાય એવા આશિર્વાદ આપવા વડતાલ સંસ્થાનના ચેરમેન પૂજય દેવપ્રકાશ સ્વામી તથા વડતાલ સંસ્થાનના સદગુરુ સંતો છારોડી ગુરુકુળથી પૂજય માધવપ્રિય સ્વામી, અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના પ્રમુખ પૂજય નૌતમપ્રકાશ સ્વામી, કુંડળધામ થી પૂજય જ્ઞાનજીવન સ્વામી, ડભોઊ થી પૂજય કૃષ્ણપ્રિય સ્વામી તથા નારથી પૂજય મોહનપ્રસાદ સ્વામી તેમજ પૂજય શ્રી હરિકેશવ સ્વામી સહિત સદગુરુ સંતો પધાર્યા હતા.

(12:17 pm IST)