સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી જૂનાગઢ પાસેથી દારૂ સાથેનુ મેટાડોર ઝડપાયુ

દારૂનુ પાર્સલ લેવા આવેલ બુટલેગર અને મેટાડોર ડ્રાઈવર ઝબ્બે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૪ :. જૂનાગઢ તાલુકા પોલીસે પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી પકડી પાડી દારૂ સાથેનું મેટાડોર ઝડપી પાડયુ હતુ અને દારૂનુ પાર્સલ લેવા આવેલ બુટલેગર તથા મેટાડોર ડ્રાઈવરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રાન્સપોર્ટના વાહનમાં પાર્સલની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા જૂનાગઢ તાલુકા પોલીસ જમાદાર કે.ડી. રાઠોડ અને જેતાભાઈ દિવરાણીયાને બાતમી મળતા તેઓએ પી.એસ.આઈ. એસ. એન. સગારકાના માર્ગદર્શન હેઠળ વડાલ પાસે વોચ ગોઠવી હતી.

દરમ્યાન જીજે ૧૯ એકસ. ૯૭૨૦ નંબરનું મેટાડોર પસાર થતા તેને રોકીને તલાસી લેતા પ્રાથમિક તપાસમાં મેટાડોરમાં ટ્રાન્સપોર્ટના પાર્સલ હોવાનું જણાયુ હતું, પરંતુ ખાખી કલરના પુંઠાના બોક્ષની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂની નાની મોટી ૨૨૫ બોટલ મળી આવી હતી.

આથી પોલીસે પાર્સલની ડિલવરી લેવા આવેલ કેશોદનો બુટલેગર રાજેન્દ્ર ઉર્ફે રાજુ જેઠાભાઈ દયાતર અને જૂનાગઢના જોશીપરામા રહેતો મેટાડોર ચાલક રાકેશ નંદલાલ વ્યાસની ધરપકડ કરી હતી.

તેમજ દારૂ અને બંધ બોડીનું મેટાડોર મળી રૂ. ૫.૨૫ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પોલીસ પૂછપરછમાં રાજુ દયાતરે દમણથી દારૂ મંગાવી તેનુ પાર્સલ સુરત ખાતે તેના મિત્રને ત્યાં રાખેલ અને ગઈકાલે સુરતથી આ પાર્સલ રાકેશ વ્યાસ સાથે તેના મેટાડોરમાં મંગાવ્યું હોવાનું ખુલ્યુ હતું.

પોલીસ જમાદાર રાઠોડે બન્નેને રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(1:08 pm IST)