સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

વિરપુર (જલારામ) ગામે ફાટક સતત બંધ : ખેડૂતોનો હોબાળો

 વીરપુર (જલારામ),તા.૪ :  ગામની સીમ વિસ્તારમાં ખેડૂતોને જવા માટેનો જૂનો મશીતારાનો કાચો ગાડા માર્ગ જેની આડે રેલ્વેનું ફાટક આવેલ છે તે ફાટકને ત્રણેક કલાકમાં માત્ર બે મિનીટ જ ખુલતું હોવાથી ખેડૂતોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. જેથી ખેડૂતોએ રેલ્વે વિભાગને આવેદનપત્ર આપીને ફાટક ખુલ્લું રાખવાની માંગ કરી હતી.

 વીરપુર(જલારામ) ગામના સૌથી મોટો આહબા સીમ વિસ્તારમાં રાણબાગ પાસે વર્ષોથી આ ક્રોસિંગ પરથી વીરપુર-મશીતારાનો વર્ષો જૂનો ગાડા માર્ગ આવેલ છે આ ગાડા માર્ગનો મશીતારા ગામે જવા આવવા માટે તેમજ ૫૦૦ જેટલા ખેડૂતો નિયમિત ઉપયોગ કરે છે પરંતુ રેલ્વે ઓથોરિટી દ્વારા આ ક્રોસીંગ પર દ્યણા સમયથી એક ફાટક મુકી દેવામાં આવ્યું છે. અને તે ફાટક બે ત્રણ કલાકે માત્ર બે મિનીટ જ ખોલવામાં આવે છે. અને હાલ કોરોના કાળમાં આ ટ્રેક પરથી માત્ર સોમનાથ જબલપુર રૂટની એક જ ટ્રેન પસાર થતી હોય તંત્ર દ્વારા ટ્રેન પસાર થઈ ગયાના કલાક બાદ માત્ર બે મિનીટ ફાટક ખોલે છે ખેતી કામે જતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

 રેલ્વે લોકોની સગવડતાને બદલે અગવડતા ઉભી કરતું હોય તેવું લાગી રહ્યું છે. જેથી ખેડૂતો  કહે છે કે, અમો તો રેલ્વે તંત્રના જડ નિયમોથી હારી ગયા છે એવું થાય છે કે ખેતીકામ જ મૂકી દઈએ. અત્યારે ખેતીકામ માટે આઠ કલાક વીજળી મળે છે તેમાં ત્રણ કલાલ તો ફાટક ખુલવાની રાહ જોવામાં જ પસાર થઈ જાય છે .

  રેલ્વે તંત્રથી ત્રસ્ત ખેડૂતોએ આજે ફાટક પાસે હોબાળો મચાવી ફાટક ખોલો ફાટક ખોલોના નારા લગાવી ફાટકને ખેડૂતો માટે ખુલ્લું રાખવાની માંગ કરતું આવેદનપત્ર વીરપુર રેલ્વે સ્ટેશન માસ્ટરને આપ્યું હતું.

(1:05 pm IST)