સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

કોડીનાર યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરોની માંગ સાથે ખેડૂતોનો હોબાળો

કોડીનાર તા. ૪ : કોડીનાર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિમાં ટેકાના ભાવથી ખરીદી કરવાના મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવતા યાર્ડ સત્ત્।ાધીશો એ વચ્ચે પડી મામલો થાળે પાડવા જહેમત ઉઠાવી પડી હતી.

વિગત મુજબ ગત સિઝનમાં મગફળીના વાવેતરના સમયે ભારે વરસાદ પડતાં અને અતિવૃષ્ટિ થતા આ વર્ષે મગફળીના પાકમાં જોઈતા પ્રમાણમાં ઉતારો આવ્યો ન હોય અને મગફળીની ગુણવત્તા પણ થોડી નબળી હોય સરકારે ટેકાનો ભાવ ૧૦૫૦ બહાર પાડ્યો છે, ત્યારે કોડીનાર યાર્ડમાં આ મગફળીની ગુણવત્તાના આધારે વેપારીઓએ બજાર કિંમત ઓછી આકતા ખેડૂતોએ હોબાળો કરતાં યાર્ડ સત્તાધીશો એ વેપારી મંડળને બોલાવી ખેડૂતોની માંગણી સંતોષી ટેકાના ભાવે મગફળીની હરાજી શરૂ કરાવતા વેપારીઓને આ ગુણવત્તાના આધારે આ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવી પોસાય તેમ ન હોય વેપારીઓ એ હરાજીમાંથી પીછેહઠ કરી હરાજીથી દુર રહેતા હરાજી બંધ થતાં ખેડૂતોએ સતત હોબાળો કર્યો હતો.વેપારીઓ મગફળીની ગુણવત્તાના આધારે ૮૦૦થી ૧૧૫૦ સુધી મગફળીની ખરીદી કરતા હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતોને પણ ઓછા મળવાથી બિયારણ કે મજૂરીના પૈસા પણ થતા ન હોય ખેડૂતોની હાલત પણ પડ્યા ઉપર પાટુ જેવી થઈ છે.

(11:20 am IST)