સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 4th December 2020

ભુજ : પાલારા જેલના કાચા કામના કેદીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

નખત્રાણા તાલુકાના સાંગનારાના ૩૦ વર્ષિય યુવાને આપઘાત કરી લેતા ચકચાર

ભુજ : અહીંની પાલારા ખાસ જેલમાં કાચા કામના કેદી તરીકે રહેલા મૂળ નખત્રાણા તાલુકાના સાંગનારાના ૩૦ વર્ષિય યુવાને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આરોપીએ શૌચાલય નં.૧૦માં બારી ઉપર હાથ બનાવટની દોરી બાંધી ગળે ફાંસો ખાઈને આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણા પોલીસ મથકે નોંધાયેલા પોક્સોની કલમ હેઠળના ગુનામાં કાચા કામના કેદી તરીકે પાલારા જેલમાં રહેલા નખત્રાણાના સાંગનારા ગામના કાંતિ ઉમરભાઈ કોળીએ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે પાલારા જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડી.એમ. ગોહિલે આપેલી વિગતો મુજબ આરોપીએ યાર્ડમાં આવેલ બહારની સાઈડના શૌચાલય નં.૧૦માં બારી ઉપર હાથ બનાવટની દોરી બાંધીને તેની ઉપર રૂમાલનો ફાંસો બનાવી ગળે ફાંસો ખાઈ લીધો હતો. દરમ્યાન પાકા કામના કેદી મેહુલભાઈ જગદીશભાઈ નાયક તેમજ મહેશ મૂળજીભાઈ ચૌહાણે તેને જાેઈ જતા તુરંત હતભાગી કેદીને નીચે ઉતારી જેલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જેલના મેડિકલ ઓફિસર ડૉ. સલીમ લુહાર દ્વારા પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક વધુ સારવાર માટે જેલ જાપ્તા હેઠળ જી.કે. જનરલ હોસ્પિટલમાં રિફર કરાયો હતો.
દરમ્યાન જી.કે. હોસ્પિટલમાં હતભાગી કાંતિ કોળીએ દમ તોડ્યો હતો. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસને જાણ કરાતા અકસ્માત મોતનો બનાવ દર્જ કરાયો હતો.

(9:38 pm IST)